ભાવનગર જિલ્લામાં 48 ટકા યુવા મતદારો ઉમેદવારની હાર-જીતમાં નિર્ણાયક સાબિત થશે
- જિલ્લામાં 18-19 વયના 43,548 યુવા મતદાર પ્રથમવાર મતદાન કરશે
- જિલ્લામાં નોંધાયેલા 18.35 લાખ મતદારા પૈકી 18 થી 39 વર્ષના 8.87 લાખ મતદારો : યુવા મતદારો સમીકરણો ફેરવી શકેતેવી ખુદ રાજકીય પંડિતોને ચિંતા
આગામી તા.૭ને મંગળવારે ભાવનગર લોકસભા બેઠકનું મતદાન યોજાશે. શાંતિપૂર્ણ માહોલામાં નિર્વિધ્ને આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે મતદાન યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ કામગીરી હાથ ધરી છે. મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે એકતરફ આ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે તંક્ષ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જયારે રાજકીય પક્ષોએ પણ ચૂંટણી જીતવા જોર લગાવ્યુ છે. આવખતે ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણીનો માહોલ પ્રવાહી પરિસ્થિતિ સમો હોવાથી મતદારો પોતાનો અમૂલ્ય મત કોના ખાતામાં નાંખે છેતેને લઈ ખુદ રાજકીય પંડિતો હજુ અસમંજસ સ્થિતિ અનુભવી રહ્યા છે. જેને લઈ રાજકીય પક્ષોની ચિંતા બેવડાઈ છે. ભાવનગર લોકસભા બેઠક પૈકી ભાવનગર જિલ્લામાં આ ચૂંટણીમાં કુલ ૧૮,૩પ,રર૭ મતદાર નોંધાયા છે. જે તમામ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. આ મતદારો પૈકી જિલ્લામાં ૧૦૦થી વધુ વયના પ૪૩ મતદાર નોંધાયા છે, જેમાં ૧૪ર પુરૂષ અને ૪૦૧ મહિલા મતદારનો સમાવેશ થાય છે.
જિલ્લામાં ૧૮-૧૯ વર્ષના ૪૩,પ૪૮ યુવા મતદાર નોંધાયા છે, જેમાં રપ,૬૮ર પુરૂષ અને ૧૭,૮૬૬ સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે. આ યુવા મતદારો પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના છે. આ યુવા મતદારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.બીજી તરફ,૨૦-૨૯ વર્ષના ૪,૦૧,૬૯૫ તો, ૩૦-૩૯ વર્ષના ૪,૪૧,૯૬૬ મતદારો નોંધાયા છે. એટલે કે પ્રથમ વખત મતદાન કરતાં ૧૮થી લઈ ૩૯ વર્ષ સુધીના યુવા મતદારોની સંખ્યા ૮,૮૭,૨૦૯ છે.જે નોંધાયેલાં કુલ ૧૮.૩૫ લાખ મતદારોની સરખામણીએ ૪૮ ટકાથી વધુ થાય છે.. જેથી આ વખતે ભાવનગર લોકસભા બેઠક પર યુવા મતદારોના મત હાર-જીતમાં નિર્ણાયક રહેશે અને આ મતદારો સમીકરણો ફેરવી શકે છે તેમ ખુદ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે. મતદારો જુદા જુદા મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન કરતા હોય છે ત્યારે મતદારો કોને જીતાડે છે અને કોને હરાવે છે ? તેનોે મતદાનના દિવસે સરેરાશ થનાર મતદાનના અંક પણ પરથી કયાસ નિકળી શકે તેમ છે. હાલ મામલે રાજકીય પક્ષોની ચિંતા વધી છે. તે હકિકત છે.