ગોહિલવાડમાં બજરંગદાસબાપાનો 47 મો પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો
- ધ્વજારોહણ, પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા
- બગદાણાના ગુરૂઆશ્રમમાં આયોજિત મહિમાપુર્ણ ગુરૂપૂજનવિધિમાં હજજારો ભાવિકો ઉમટી પડયા
ભાવનગર શહેરમાં સોમવારે સંત પૂ. બજરંગદાસબાપાની પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શહેરની વિવિધ શેરીઓ, મહોલ્લાઓમાં આવેલ બાપાની મઢુલીઓ કલાત્મક રીતે સુશોભીત કરાઈ હતી. તખ્તેશ્વર મહાદેવના મંદિરના પગથીયા પાસે આવેલ મઢુલી આશ્રમમાં સીતારામ મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા,ભાદેવાની શેરી ઉપરાંત નિર્મળનગરમાં શેરી નં. ઝીરોમાં સોમવારે સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, ગુરૂપુજન તેમજ મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત યાત્રાધામ બગદાણામાં ખાતે મનજીબાપાના સાનિધ્યમાં સંત શિરોમણી પૂજય બજરંગદાસબાપાનો ૪૭મો પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલ બાપાની મઢુલીમાં દિવસ દરમિયાન પ્રસાદનું વિતરણ કરાયુ હતુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સોમવારથી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિતીર્થમાં પણ બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે.યાત્રાધામ બગદાણાના ગુરૂઆશ્રમમાં સોમવારે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરૂ પૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી.બાપા સિતારામના ગગનભેદી જયનાદ સાથે આસપાસના પંથક ઉપરાંત રાજય અને રાજય બહારથી ભાવિજો, સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને સૌએ ભાવ અને ભકિતમય માહોલમાં દર્શન પૂજન સાથે પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. બગદાણા ધામ ખાતે સોમવારે વહેલી સવારથી જ બજરંગદાસ બાપાના ૪૭મી પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો પહોંચ્યા હતા. ચિક્કાર માનવ સમુદાય વચ્ચે વિવિધ ધામક કાર્યક્રમો યોજાયા હતા. જેનો વહેલી સવારથી પ્રારંભ થયો હતો. સવારે પાંચ કલાકે મંગળા આરતી તેમજ ત્યારબાદ ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ થયું હતું. બાદમાં મહિમાપૂર્ણ ગુરૂપૂજનમાં સૌ ભક્તજનો ભાવભેર જોડાયા હતા. આ વેળા ગુરૂ આશ્રમના મોભી મનજીદાદાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. હતું.ત્યારબાદ અબીલ, ગુલાલ,પીપરમેન્ટની છોળો વચ્ચે અને બાપા સિતારામના ગગનભેદી જયનાદ સાથે રંગદર્શી અને પરંપરાગત નગરયાત્રાનું ગુરૂ આશ્રમેથી પ્રસ્થાન થયું હતું. ડીજે અને ઢોલ નગારા સાથેની આ યાત્રા આખા બગદાણા ગામમાં વાજતે-ગાજતે ફરી હતી. જેમાં સૌને દર્શનનો લાભ મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા સંખ્યાબંધ સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ખડે પગે અવિરત રહીને સેવા બજાવી હતી. પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. બહેનો,ભાઈઓ અને સંતો માટેની અલગ-અલગ ભોજનશાળામાં સર્વેએ સાથે પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો.