Get The App

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે 46,200 મતપત્ર છપાવાશે

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે 46,200 મતપત્ર છપાવાશે 1 - image


- ઈવીએમ માટે મતપત્રો અને ટેન્ડરપત્રનુ છાપ કામ શરૂ 

- દરેક ઈવીએમ પર મતપત્રો લગાડાશે, એક મતદાન મથક પર 1 ઈવીએમ બેલેટ પેપર અને 20 ટેન્ડર બેલેટ પેપરનો ઉપયોગ 

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થઈ જતા મતપત્રોનુ છાપકામ શરૂ થય ગયુ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ઈવીએમ બેલેટ પેપર, ટેન્ડર બેલેટ પેપર અને પોસ્ટલ મત પત્રોનુ છાપ કામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈવીએમ તૈયાર કરવામાં આવશે. 

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મે યોજાનાર છે. ભાવનગર લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર ચૂંટણી લડવાના છે. ઉમેદવાર નક્કી થઈ જતા મતપત્રોનુ છાપકામ શરૂ થય ગયુ છે. ભાવનગરની બેઠક માટે કુલ ૪૬,ર૦૦ મતપત્રનુ છાપકામ થશે, જેમાં ઈવીએમ બેલેટ પેપર અને ટેન્ડર બેલેટ પેપરનો સમાવેશ થાય છે. ભાવનગર લોકસભા બેઠકમાં કુલ ૧૯૬પ મતદાન મથક છે અને એક મતદાન મથક પર ૧ ઈવીએમ બેલેટ પેપર તેમજ ર૦ ટેન્ડર બેલેટ પેપર ફાળવવામાં આવશે. મતપત્રોનુ છાપકામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ઈવીએમ પર ઈવીએમ બેલેટ પેપર લગાવવાની કામગીરી શરૂ થશે તેમ સુત્રોએ જણાવેલ છે. એક મતદાન મથક પર ર૦ ટેન્ડર બેલેટ પેપર અધિકારીને ફાળવવામાં આવતા હોય છે અને જો કોઈ વ્યકિત ટેન્ડર બેલેટ પેપર માંગે તો તેમાંથી આપવામાં આવતુ હોવાનુ જાણવા મળેલ છે. 

ઈવીએમ તૈયાર કરતી વખતે મતપત્રો ફાટી પણ જવાની સંભાવના રહે છે તેથી મતપત્રો વધુ છપાવવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે તબક્કાવાર કામગીરીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કામગીરીમાં કોઈ ચુક ના રહે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.  

ચૂંટણી કર્મચારીઓના મતદાન માટે 3 હજાર ટપાલ પત્ર છપાવ્યા 

ભાવનગર લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં આશરે ૩ હજાર ટપાલ પત્ર (પોસ્ટલ બેલેટ) છપાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ, હોમગાર્ડ સહિતના તમામ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. કર્મચારીઓ મતદાનથી વંચીત ન રહે તે માટે કર્મચારીઓને પોસ્ટલ બેલેટ આપવામાં આવશે. ચૂંટણી કામગીરી માટે બહારગામ હોય તેવા કર્મચારીઓ પણ મતદાન કરી શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે. ચૂંટણીની તાલીમ દરમિયાન કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ ઉપરાંત સમય મર્યાદામાં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલાવી શકશે તેમ ચૂંટણી વિભાગના સુત્રોએ જણાવેલ છે. 


Google NewsGoogle News