મહુવા યાર્ડમાં એક જ દિવસમાં 45 હજાર ગુણી મગફળીની આવક
- મગફળીના યુનિટ સ્થપાતા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે
- યાર્ડમાં દરરોજ 10 થી 11 હજાર ગુણી મગફળીનું રૂા ૨,૨૫ કરોડનું રૂા 2,25 કરોડનું થતું વેચાણ
મહુવા મા.યાર્ડમાં એક જ દિવસમાં ૪૫ હજાર ગુણી મગફળીની આવક નોંધાવા પામી હતી અને તેની સામે દરરોજ ૧૦ થી ૧૧ હજાર ગુણી મગફળીનું વેચાણ થઈ રહેલ છે. ખેડૂતોને વેરાયટી મુજબ અને માલ એવા ભાવ મળી રહેલ છે.જેમાં ખાસ કરીને ૬૬ નંબરની મગફળીના ૧૯૦૦ સુધીના ભાવ મળી રહેલ છે. જયારે ૨૦ અને ૩૯ નંબરના ૧૪૦૦ સુધીના ભાવ મળી રહેલ છે.દરમિયાન મહુવા મા.યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ખેડૂતોને મગફળી ભેજ વગરની સુકી કરીને તેમજ વ્યવસ્થિત સાફ કરીને અને કોઈપણ પ્રકારની અન્ય વેરાયટીની મગફળી કે કાંધાનું પાલુ કર્યા વગરની મગફળી લાવવી.જેથી કરીને તેના ભાવ સારા મળી રહે અન્યથા કાંધુ ભેળવેલ મગફળી હરરાજીમાં આવે તો તે વક્કલ કેન્સલ થશે અને બીજા દિવસે હરાજી થશે અને તેના ભાવ પણ આવતા નથી. સાથોસાથ હાલમાં કમોસમી માવઠાની શકયતાના પગલે તા. ૧૭,૧૦ ના સાંજે ૬ થી મગફળીની નવી આવક લેવામાં આવનાર છેે. તેમજ ખેડૂતોને તેમની મગફળી યાર્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત ઢાંકીને સુરક્ષિત રાખવી અને તે માટે જરૂરી પાથરવાનું અને ઢાંકવાનું પ્લાસ્ટીક સાથે લાવવા પણ જણાવાયુ છે.
વધુમાં મહુવામાં ૬ જેટલા પીનટ બટરના તેમજ શીંગદાણા અને ઓઈલ મીલો મળી મોટા એક્ષપોર્ટ કરતા પ્રોેસેસીંગ યુનિટો આવેલા હોવાથી મહુવા યાર્ડમાં ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહેલ છે. તેમજ સારા પ્રમાણમાં નિકાલ પણ થાય છે જેના કારણે મહુવા જ નહિ બલકે, તળાજા, ગારિયાધાર,સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાંથી વેચાણ માટે આવી રહેલ છે. ખેડૂતોને મગફળી ઘરે બેઠા વેચાણ ન કરતા યાર્ડમાં ખુલ્લી હરરાજીથી વેચાણ કરવા કે જેથી કરીને જેવા માલ એવા ભાવ મળી રહે તેમજ યાર્ડની દેખરેખ હેઠળ ખરો તોલ અને રોકડા નાણા પણ મળી રહેલ છે. એટલે ખેડૂતોએ કયારેય છેતરાવાનું પણ થતુ ન હોય યાર્ડમાં જ માલ વેચાણ કરવા મહુવા યાર્ડના ચેરમેનએ અનુરોધ કર્યો છે.