ઘોઘાના ગરીબપુરા ગામે 41 ઘેટાં, બકરાંના ફૂડ પોઈઝનિંગથી મોત
- પશુઓ ચરવા ગયા ત્યારે કોઈ ઝેરી પદાર્થ ખાતા મોતને ભેટયાં
- પશુપાલન વિભાગની ટીમ દોડી ગઈ, પોસ્ટમાર્ટમ કરી મૃતક પશુઓનો નીકાલ કરાયો, નમૂના લેવાયા
જાણવા મળ્યા મુજબ ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા પશુપાલનનો વ્યવસાય કરી ઘરનું ગુજરાન ચલાવતા લાલાભાઈ સિદ્દીભાઈની માલિકીના ઘેટાં-બકરાં મધરાત્રિના સમયે ઘરના વાડામાં હતા. ત્યારે ભાંગતી રાત્રે ચારેક વાગ્યાના અરસામાં આશરે ૩૯ ઘેટાં (ગાડર) અને બે બકરાં કીડી-મકોડાની જેમ ટપોટપ મરવા લાગ્યા હતા. એક સાથે ૪૧ જેટલા પશુઓના શંકાસ્પદ મોત થતાં પશુપાલક અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ ભાવનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગને કરવામાં આવતા પશુપાલન વિભાગની ટીમ તાબડતોડ ગરીબપુરા ગામે પહોંચી ગઈ હતી અને ઘેટાં-બકરાંના મોતના રહસ્યનું કારણ જાણવા મૃત પશુઓનું પોસ્ટમાર્ટમ કર્યું હતું. જેમાં પશુઓ ચરવા ગયા હશે ત્યારે કોઈ ઝેરી પદાર્થ ખાતા ફૂડ પોઈઝનિંગ થવાથી મોત થયાનું જાણવા મળ્યું હતું. વધુમાં પશુપાલન વિભાગની ટીમે પોસ્ટમાર્ટમ બાદ મૃતક પશુઓનો નીકાલ કરી નમૂના લીધા હતા. આ કાર્યવાહી સવારે ૯થી બપોરે ૩ કલાક (છ કલાક) સુધી ચાલી હોવાનું જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ મદદનીશ પશુપાલન નિયામક ડો.કે.એચ.બારૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું.
પશુપાલકને આર્થિક સહાય માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી
૪૧ ઘેટાં-બકરાંના મોતના મામલે ગરીબપુરા ગ્રામ પંચાયત દ્વારા પશુપાલન વિભાગને પત્ર લખી ચાર સભ્યનો પરિવાર ધરાવતા લાલભાઈ સિદ્દીભાઈને આર્થિક સહાય આપવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત પશુપાલન વિભાગ તરફથી પણ પશુપાલકને આર્થિક સહાય મળે તે માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું ઈન્ચાર્જ મદદનીશ પશુપાલન નિયામકે જણાવ્યું હતું.
એક બીમાર ઘેટાંને સારવાર અપાઈ
ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે ઘેટાં-બકરાંના મોતની જાણ થતાં જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યાં પહોંચી તપાસ કરતા એક ઘેટું બીમાર હોય, જેને તાત્કાલિક સારવાર આપી બીમાર ઘેટાંને બચાવી લેવામાં આવ્યું હોવાનું પશુપાલન વિભાગના અધિકારી ડો.કે.એચ.બારૈયાએ વાતચીતમાં જણાવ્યું હતું.
પશુઓને મારવા ઝેરી પદાર્થ ખવડાવવામાં આવ્યો કે કેમ ? તપાસ થવી જરૂરી
ગાડર-બકરાં ચરવા ગયા ત્યારે કોઈ ઝેરી પદાર્થ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ જતાં મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે કોઈ હિતશત્રુએ જાણી જોઈને પશુઓને મોતને ઘાટ ઉતારવા ઝેરી પદાર્થ ખવડાવી દીધો છે કે કેમ ? તે બાબતની પણ તપાસ થવી જરૂરી છે. તેમજ જો કોઈએ અજાણતા ઝેરી પદાર્થ જાહેરમાં ફેક્યો હોય તો આવી લાપરવાહી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની પશુપાલકોમાં માંગણી ઉછી છે.