For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટ મારફત અરબ સાગર ખેડી ચૂંટણીલક્ષી 40 કર્મચારીઓ મતદાન માટે શિયાળબેટ પહોંચ્યા

Updated: May 7th, 2024

બોટ મારફત અરબ સાગર ખેડી ચૂંટણીલક્ષી 40 કર્મચારીઓ મતદાન માટે શિયાળબેટ પહોંચ્યા

- દુર્ગમ વિસ્તારો અને પડકારો વચ્ચે લોકશાહી પર્વ ઉજવાશે

- 20 પોલીંગ સ્ટાફ, 5 બીએલઓ, પ્રિસાઇડીંગ, ઝોનલ, સુરક્ષા કર્મચારી સહિત 40 કર્મચારી શિયાળબેટ પહોંચ્યા

ભાવનગર : દુર્ગમ વિસ્તારો અને પડકારો વચ્ચે પણ મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક યોજવા ચૂંટણી પંચે કટીબદ્ધતા દર્શાવી છે. અમરેલીના શિયાળબેટ ટાપુ પર આ મહાપર્વને ઉજવવા પાંચ ટીમો સહિત સુરક્ષા કર્મીઓનો સ્ટાફ ઇવીએમ સાથે અરબસાગર ખેડી આજે શિયાળબેટ પહોંચ્યા હતાં.

અમરેલી જિલ્લામાં તા. 7 મે મંગળવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. દુર્ગમ વિસ્તારોમાં અનેક પડકારોની વચ્ચે પણ મતદાન પ્રક્રિયાની તૈયારીઓ સાથે ચૂંટણી પંચ સજ્જ અને કટિબદ્ધ બન્યું છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં દરિયાની વચ્ચે આવેલો શિયાળ બેટ ટાપુ એ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. દરિયાથી ચોમેર ઘેરાયેલા ટાપુ પર વસતા મતદારો મતાધિકારથી વંચિત ન રહે તેથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરિયામાં હોડી મારફતે ઇવીએમ મશીન અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવે છએ અને શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયાઓને અનુસરવામાં આવે છે.

રાજુલા મુકામે આવેલા ઇવીએમ ડિસ્પેન્ચીંગ કેન્દ્ર ખાતેથી શિયાળબેટ માટે બસ મારફતે જેટી સુધી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રક્રિયા માટે ઇવીએમ યુનિટ અને મતદાન સામગ્રીઓ હોડી મારફતે પહોંચાડવામાં આવી હતી. શિયાળબેટ પહોંચવા માટે દરિયાઇ માર્ગ એકમાત્ર વિકલ્પ છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ માટે શિયાળબેટ પહોંચવા ચૂંટણી તંત્ર દ્વારા બે બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ પર કર્મચારી સાથે સુરક્ષા કર્મીઓ પણ મતદાન પ્રક્રિયામાં જોડાશે જેમાં ૨૦ પોલીંગ સ્ટાફ, ૫ બીએલઓ, પ્રિસાઇડીંગ અધઇકારી, ઝોનલ અધિકારી અને સુરક્ષા કર્મીઓ મળી ૪૦ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ બોટ મારફતે અરબ સાગર ખેડી અને લોકશાહીના પર્વને મતદારો સુધી લઇ જવા માટે પહોંચી ચૂક્યા હતાં.

શિયાળ બેટમાં 5048 મતદારોમાંથી 54 મતદારો 80 %

અમરેલી જિલ્લાના શિયાળબેટ એ અલાયદો ટાપુ છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં આ ક્ષેત્રને પણ આવરી લઇ પાંચ ટીમ મોકલી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરાઇ છે. શિયાળબેટ ખાતે નવી પ્રાથમિક શાળા ખાતે ૫૦૪૮ મતદારો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા.૫-૧-૨૪ની સ્થિતિએ શિયાળબેટમાં ૨૫૮૨ પુરૂષ અને ૨૪૬૬ મહિલા, ૧૪ પીડબલ્યુડી-દિવ્યાંગો સહિત ૫૦૪૮ મતદારો છે જેમાં ૮૦ વર્ષ વટાવી ગયા હોય તેવા ૫૪ મતદારો હોવાનું જણાયું છે.

Gujarat