જામનગરમાં રણજીતસાગર રોડ પરથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનારા 4 વિક્રેતાઓ પકડાયા
જામનગર શહેરમાં રણજીત સાગર તરફના જાહેર રોડ પર અનેક સ્થળે ફટાકડાના વેચાણ કેન્દ્ર શરૂ થયા છે, દરમિયાન પોલીસની તપાસમાં ૬ વિક્રેતાઓ લાઇસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતાં ઝડપાયા છે. જેની સામે ગુનો દાખલ કરાયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીના ખૂણા પાસે ચેતન ઘનશ્યામભાઈ વશિયર નામના વેપારી દ્વારા જાહેર રોડ પર સ્ટોલ ઉભો કરીને ફટાકડા નું વેચાણ શરૂ કરાયું હતું, જે સ્થળે સિટી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી ખોડુભા જાડેજાએ પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારનું ફટાકડા વેચાણનું લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડા નું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસે ફટાકડા નું વેચાણ બંધ કરાવ્યું હતું, અને વિક્રેતા ચેતન વશિયર સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં બીએનએસ કલમ ૨૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત તે જ વિસ્તારમાં જાહેરમાં ફટાકડા નું વેચાણ કરી રહેલા વિપુલ પ્રભુભાઈ ગંઢા નામના વેપારી ની પૂછપરછ કરતાં તેની પાસે પણ ફટાકડાનું વેચાણ કરવા માટેનું લાયસન્સ મેળવેલું ન હતું, તેમ છતાં ફટાકડા નું વેચાણ કરતો હોવાથી તેમનું વેચાણ બંધ કરાવ્યું હતું, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ રણજીત સાગર રોડ પર અન્ય જુદા જુદા સ્થળોએ જાહેરમાં મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મિલન કિશોરભાઈ લીંબાસીયા અને દર્શન વિનોદભાઈ ધોકિયાની અટકાયત કરી લઈ તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.