ભડભીડ ટોલનાકા પાસે દારૂ ભરેલી કાર સાથે 4 રાજસ્થાની ઝડપાયા

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભડભીડ ટોલનાકા પાસે દારૂ ભરેલી કાર સાથે 4 રાજસ્થાની ઝડપાયા 1 - image


- ધોલેરા તરફથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા

- દારૂ કયાંથી-કોની પાસેથી લાવ્યાની પૂછતાછ કરતા શખ્સોએ મગનું નામ મરી ન પાડયું, દારૂની 396 બોટલ, કાર, 3 મોબાઈલ મળી રૂા. 9.48 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

સિહોર : ભાવનગર-અમદાવાદ હાઈવે પરના ભડભીડ ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર લઈને આવી રહેલા ચાર રાજસ્થાની શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ પોણા દસ લાખથી વધુની માલમત્તા કબજે કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમ આજે સવારના સમયે પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભડભીડ ટોલનાકા પાસે પહોંચતા એક સફેદ કલરની હ્યુંડાઈ ક્રેટા કારમાં રાજસ્થાનથી વિલાયતી દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફથી ભાવનગર લવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વોચ ગોઠવતા ક્રેટા કાર નં.જીજે.૧૮.બીઆર.૫૬૧૧ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. પોલીસની તપાસમાં કારની અંદર છુપાવેલી વિલાયતી દારૂની ૩૯૬ બોટલ (કિ.રૂા.૧,૧૮,૮૦૦) મળી આવતા કારમાં સવાર ગંગારામ ઉદારામ બિશ્નોઈ, ક્રિષ્નારામ પુરખારામ બિશ્નોઈ, મુકેશ ક્રિષ્નારામ બિશ્નોઈ (રહે, ત્રણેય ભાટીપ, તા.રાણીવાડા, જિ.જાલોર, રા. રાજસ્થાન) અને હનુમાન પુનમારામ બિશ્નોઈ (રહે, હેમાગુડા, તા.ચીત્તલવાના, જિ. સાંચૌર, રા.રાજસ્થાન) નામના ચાર શખ્સને ઝડપી લઈ દારૂનો જથ્થો, આઠ લાખની કિંમતની કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૯,૪૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કયાંથી અને કોની પાસેથી લાવ્યા અંગેની પૂછતાછ કરતા ચારેય શખ્સે મગનું નામ મરી પાડયું ન હતું. બનાવ અંગે એલસીબીએ ચારેય રાજસ્થાની શખ્સ સામે વેળાવદર ભાલ પોલીસમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. વધુમાં ઝડપાયેલા શખ્સોના કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News