ભાવનગરમાં 33.93 લાખના ડ્રગ્સ સાથે 3 પેડલર સહિત 4 ઝડપાયા
- યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવાના કાળા કારોબારમાં મહિલાઓ પણ જોડાઈ
- સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે 20 કલાકની અંદર બીજી વખત ડ્રગ્સ પકડયું
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરની યુવતી, મહિલા સહિતના ત્રણ પેડલર મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈ ખાનગી બસ મારફતે ભાવનગર આવ્યા છે અને એક રિક્ષામાં બેસી પાનવાડી ચોક પાસેથી પસાર થવાના હોવાની વિશ્વાસુ બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ હકીકતના આધારે ભાવનગર એસઓજી પીઆઈ એ.આર.વાળા, પીએસઆઈ સી.એચ. મકવાણા અને સ્ટાફના માણસોએ બે સરકારી પંચોને સાથે રાખી આજે સોમવારે વહેલી સવારે ૬ કલાકના અરસામાં વોચ ગોઠવી હતી. દરમિયાનમાં પાનવાડી ચોક પાસેથી બાતમીવાળી રિક્ષા નં.જીજે.૦૪.એયુ.૪૮૨૪ નીકળતા તેને રોકી રિક્ષાચાલક શખ્સ ઈબ્રાહીમ હુસેનભાઈ સિદ્દી (ઉ.વ.૬૦, રહે, મતવા ચોક, સંઘેઢિયા બજાર, જનતા તાવડાવાળો ખાંચો, જાફરમિયા હસનમિયાના મકાનમાં ભાડેથી, ભાવનગર), પાછળની સીટમાં બેસેલ રાહિલ ઉર્ફે સેહજાદ અબ્દુલભાઈ ડેરૈયા (ઉ.વ.૨૪, રહે, નવાપરા, ઈદગાહ મસ્જિદ સામે, તબેલામાં, ભાવનગર), રિક્ષાચાલકની પુત્રી સનાબેન મોહસીનખાન રોહિલા (ઉ.વ.૩૩, રહે, મોચી શેરી, વડવા રેલવે સ્ટેશન રોડ, કુત્બી કેટરર્સ સામે, ભાવનગર) અને કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન હસનમિયા મૌલાખેલા સૈયદ (ઉ.વ.૨૪, રહે, વડવા, મતવા ચોક, આરબવાડ)ની પૂછતાછ કરતા એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સનો જથ્થો હોવાની અને બન્ને મહિલાએ પોતાની પાસે ડ્રગ્સ છુપાવ્યાની કબૂલાત આપી હતી.
જેથી જાહેરમાં મહિલા પેડલરોની અંગઝડતી થઈ શકે તેમ ન હોય, ચારેયની ધરપકડ કરી એસઓજી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. અહીં બે મહિલા પોલીસે સનાબેન રોહિલા અને કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેનને રૂમમાં લઈ જઈ બન્નેની અંગઝડતી કરતા તેમની પાસેથી કાળા ઝબલાની અંદર પ્લાસ્ટિકની ઝીપલોકવાળી થેલીઓમાંથી રૂા.૩૩.૯૩,૭૦૦ની કિંમતનો નાર્કોટીક્સ મેફેડ્રોન ડ્રગ્સ (વજન ૩૩૯.૩૯ ગ્રામ) મળી આવ્યું હતું. જે ડ્રગ્સનો જથ્થો, અતુલ રિક્ષા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, આરસી બુક, પાંચ મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂા.૩૪,૮૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કરી એસઓજી પીએસઆઈ મકવાણાએ ત્રણ પેડલર સનાબેન, કનીઝફાતેમા અને રાહિલ ઉર્ફે સેહજાદ ડેરૈયા તેમજ ઈબ્રાહીમ સિદ્દી સામે સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ (સી), ૨૨ (સી), ૨૯ મુજબ ગુનો નોંધાવ્યો હતો. આગળની તપાસ એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, રૂા.૩૩.૯૩ લાખના ડ્રગ્સ સાથે એક યુવતી અને મહિલા પેડલર ઝડપાઈ છે. ત્યારે ભાવનગરના યુવાધનને ડ્રગ્સના દૂષણના રવાડે ચડાવવા મહિલાઓ પણ ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાયેલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ગંભીર મામલે પોલીસ ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરી મૂળ સુધી પહોંચે તો ભાવનગરમાં છાનાખૂણે ચાલી રહેલા ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થશે અને ઘણાં મોટા માથાઓના પણ નામ ખુલી શકે તેમ છે.
ભાવનગરમાં ગ્રાહકોને વેચવા મુંબઈમાંથી ડ્રગ્સ લાવ્યા હતા
પાનવાડી ચોક પાસેથી ચારેક લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ પેડલર પૈકીનો નવાપરામાં રહેતો રાહિલ ઉર્ફે સેહજાદ ડેરૈયાએ એમ.ડી. ડ્રગ્સ મુંબઈના નાકુદા મોહલ્લા, મહમદઅલી રોડ, દરગાહ પાસે, મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાંથી ખરીદ્યું હતું અને ત્યારબાદ પોલીસને ગંધ પણ ન આવે તે માટે મહિલા પેડલરોએ તેમની પાસે ડ્રગ્સ છુપાવી દીધું હતું અને ખાનગી બસમાં બેસી ત્રણેય પેડલર ભાવનગર આવ્યા હતા. મુંબઈથી લાવેલું એમ.ડી. ડ્રગ્સ ભાવનગરમાં અમુક-અમુક ગ્રાહકોને વેચવાનું હોવાનું પ્રાથમિક પૂછતાછમાં ત્રણેય પેડલરે કબૂલાત આપી હતી.
એસઓજીએ ડ્રગ્સ પકડયું, એલસીબી તપાસ કરશે
ભાવનગર એસઓજીની ટીમે માત્ર ૧૯ કલાકની અંદર જ વેળાવદર ભાલ તાબેના જૂના માઢિયા ગામ પાસે અને ભાવનગરના પાનવાડી ચોક નજીકથી રૂા.૪૩,૧૧,૭૦૦ લાખના ડ્રગ્સ સાથે પાંચ શખ્સ, પિતા-પુત્રી અને મહિલાને ઝડપી લીધા હતા. આ બન્ને કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે ડ્રગ્સ શોધી કાઢ્યા બાદ વેળાવદર ભાલ તેમજ નિલમબાગ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ બન્ને ગુનાની આગળની તપાસ ભાવનગર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)ને સોંપવામાં આવી છે.
9.18 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 4 નબીરા 4 દિવસના રિમાન્ડ પર
ભાવનગર એસઓજીએ ગઈકાલે રવિવારે અમદાવાદ-ભાવનગર હાઈવે પર જૂના માઢિયા ગામ નજીકથી બલેનો કારમાં ૯.૧૮ લાખનું એમ.ડી. ડ્રગ્સ લઈને ભાવનગર આવી રહેલા ચાર નબીરા તૌફિક અહેમદભાઈ મન્સુરી, એઝાઝ હનીફભાઈ મન્સુરી, અલ્ફાઝ સાદ્દીકભાઈ ગોરી અને હુસેન ઉર્ફે ટાઈગર અખ્તરભાઈ કલીવાળા નામના શખ્સોને ઝડપી લઈ વેળાવદર ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હોય, એલસીબીએ ચારેય શખ્સનો કબજો મેળવી આજે સોમવારે પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે વલ્લભીપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. જે ચારેય નશેડી નબીરાના કોર્ટે ચાર દિવસ (તા.૧૫-૩) સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું તપાસનીસ અધિકારી એલસીબી પીએસઆઈ આર.એ.વાઢેરે જણાવ્યું હતું.
શખ્સ સાથે તેની વાગ્દત્તા પણ પેડલર બની
શહેરના પાનવાડી ચોક પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે ૩૩.૯૩ લાખના ડ્રગ્સ સાથે ત્રણ પેડલર સહિત ચાર જણાંને દબોચી લીધા છે. તેમાં પિતા-પુત્રી ઈબ્રાહીમ હુસેનભાઈ સિદ્દી, સનાબેન મોહસીનખાન રોહિલા તેમજ નવાપરાનો રાહિલ ઉર્ફે સેહજાદ ડેરૈયા અને તેની વાગ્દત્તા કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન હસનમિયા મૌલાખેલા સૈયદનો સમાવેશ થાય છે. નવાપરાના શખ્સે તેની ભાવિ પત્નીને ડ્રગ્સના કાળા કારોબારમાં ઉતારી દેતા ૨૪ વર્ષની યુવતી પણ પેડલર બની ગઈ હતી અને મુંબઈથી ખરીદેલો ડ્રગ્સ તેની પાસે છુપાવ્યો હતો. પરંતુ 'બેઈમાનીનો ધંધો બાર દિવસનો'ની જેમ શખ્સ સાથે તેની વાગ્દત્તાને પોલીસે ગિરફ્ત કરી લીધી છે. આ ચારેયને આવતીકાલે મંગળવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે તેમ એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ જણાવ્યું છે.