ભાવનગરમાં આજથી 4 દી' ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ફરી વિરામ લેતા ફરી બફારો અનુભવાયો
- દિવસભર ધૂપ-છાવ વચ્ચે ગરમીનો પારો 1.7 ડિગ્રી ઉંચકાયોઃ આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ છે. પ્રાંરભિક તબક્કામાં જ શહેરની સાથોસાથ જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગ્યા છે. દરમિયાનમાં ગત શુક્રવારે જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, મહુવા, ગારિયાધાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં પડેલા સારા વરસાદ બાદ આજે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, ગત મધ્ય રાત્રિ બાદ મહુવા અને પાલિતાણામાં વરસાદી ઝાપટું વરસ્યુ હતું. જે બાદ સવારના સમયે જિલ્લાના ગારિયાધાર અને પાલિતાણામાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા. જ્યારે બાકીના દરેક તાલુકાઓમાં દિવસ દરમિયાન તડકો અને વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ બફારો અનુભવ્યો હતો.
જ્યારે, ભાવનગર શહેરમાં છ દિવસના વિરામ બાદ ગત શુક્રવારે પડેલાં અનરાધાર એકાદ ઈંચ વરસાદ બાદ આજે સતત બીજા દિવસે સવરાથી થોડા સમય માટે વાદળછાયું વાતાવરણ રહેતાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહેશે તેવી અશહેરીજનોની આશા ઠગારી નિવડી હતી. અને વાતાવરણથી વિપરિત આજે શહેરમાં દિવસ દરમિયાન ધૂંપ-છાવ વચ્ચે શહેરીજનોએ અસહ્ય ગરમી અને બફારો અનુભવ્યો હતો.જ્યારે, આજે શહેરમાં વરસાદે વિરામ લીધો હતો.શહેરમાં આજે ૧૬ દિવસ બાદ પહેલીવાર ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો છે. ગતરોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી ઉંચકાઈને ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. શહેરમાં આજે બપોરના ૪ કલાક અરસામાં વાદયછાયા વાતાવરણ સાથે પવન ફૂકાતા થોડીવાર ધોધમાર વરસાદ પડશે તેવું વાતાવરણ નિર્માણ પામ્યું હતું પરંતુ બાદમાં વાદળો વિખેરાઈ ગયા હતા. દરમિયાનમાં રાજ્યના હવામાન વિભાગે ભાવનગરમાં આવતીકાલ રવિવારથી આગામી તા.૧૭ને બુધવાર એસ સતત ચાર દિવસ સુધી 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીના પદલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
ભાવનગર, અમરેલી અને બોટાદના ડેમોની સ્થિતિ
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક બંધ છે અને ડેમની સપાટી ૧૭.૫ ફુટ નોંધાઈ છે. પરંતુ ઉપરવાસમાં અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં ૬૮૯ ક્યૂસેક પાણીની આવક શરૂ છે અને સપાટી ૫૬.૯ ફુટ નોંધાઈ છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાના કાળુભાર ડેમમાં ૨૩૨ ક્યૂસેક પાણીની આવક શરૂ છે અને સપાટી ૧૪.૨ ફુટે પહોંચી છે અને સુખભાદર ડેમમાં ૭૦ ક્યૂસેક પાણીની આવક શરૂ હોવાનુસ્સતાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.