બે બંધ મકાનમાંથી ભરબપોરે રૂા. 4.60 લાખની મત્તાની ચોરી
ગાંધીગ્રામ પોલીસની હદમાં તસ્કરો માટે રેઢાં પડ જેવી સ્થિતિ
બે-બે કલાક બંધ રહેલાં મકાનોને નિશાન બનાવી તસ્કરોએ પોલીસની નિષ્ક્રિયતા વધુ એક વખત છતી કરી
રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં તસ્કરો માટે રેઢા પડ જેવી સ્થિતિ સર્જાઇ હોય તેમ ધોળા દિવસે બે બંધ મકાનમાંથી રૂા. ૪.૬૦ લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદો નોંધાઈ છે. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે રાબેતા મુજબ સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.
ગાંધીગ્રામના ભારતીનગર મેઇન રોડ પર શેરી નં. ૨ના ખૂણે રહેતા ધવલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.૩૩) અક્ષર માર્ગ પર કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે સવારે નવેક વાગ્યે નોકરીએ જતા રહ્યા હતા. ઘરે હાલ મિસ્ત્રી કામ ચાલુ હોવાથી બપોરે મિસ્ત્રી કૃણાલ જમવા માટે ગયો હતો.
બપોરે બે વાગ્યે તેની પત્ની અંકિતા પુત્ર હર્ષવર્ધનને લઇ નજીકના એસકે ચોકમાં રહેતા મામા સંજયભાઈ વાઘેલાના ઘરે જમવા માટે ગઇ હતી. બપોરે મિસ્ત્રી કૃણાલ પરત આવ્યો ત્યારે તેને કોલ કરી ઘરમાં કોઇ નહીં હોવાનું કહેતા તત્કાળ તેણે પત્નીને કોલ કરી ઘરે મોકલી હતી.
પત્નીએ આવીને જોતાં દરવાજાને માત્ર કડી મારેલી હતી. અંદર જોતાં બેડરૂમનો કબાટ ખુલ્લો હતો. સામાન વેરવિખેર મળ્યો હતો. તત્કાળ તેને જાણ કરતાં ઘરે આવી, તપાસ કરતાં તસ્કરો કબાટની તિજોરીનો લોક તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂા. ૪૨ હજાર મળી કુલ રૂા. ૪.૪૮ લાખની મત્તા ચોરી કરી ગયાનું જણાતાં આજે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
ગાધીગ્રામ પોલીસ મથકની હદમાં જ ધોળે દિવસે ચોરીની બીજી ઘટના બની હતી. જામનગર રોડ પરની ગાયત્રીધામ સોસાયટી શેરી નં. ૪માં રહેતા ભાસ્કરભાઈ અંબાશંકરભાઈ દવે (ઉ.વ.૫૩) કર્મકાંડ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇકાલે બપોરે બે વાગ્યે પત્ની અને પુત્ર સાથે સાઢુભાઇ જગદીશભાઈ મહેતાના ઘરે ગયા હતા. ૪.૩૦ વાગ્યે પરત આવ્યા ત્યાં સુધીમાં તસ્કરો ડેલી પછીના દરવાજાનો લોક તોડી, અંદર પ્રવેશી, પહેલા માળે આવેલા રૂમની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રૂા. ૪ હજારની રોકડ મળી કુલ રૂા. ૪૨ હજારની મત્તા ચોરી કરી ગયા હતા.
વધુમાં ભાસ્કરભાઈએ પોલીસને જણાવ્યું કે તેના માતા સુરતથી પરત આવ્યા બાદ ખરેખર બીજી કઇ-કઇ મત્તાની ચોરી થઇ છે તેનો ખ્યાલ આવશે.