Get The App

ભાવનગર શહેર અને જિલ્લામાં જુગટૂં ખેલતા 35 પત્તાપ્રેમી ઝબ્બે

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેર અને જિલ્લામાં જુગટૂં ખેલતા 35 પત્તાપ્રેમી ઝબ્બે 1 - image


- કરેડા ગામે બાવળની કાંટનો લાભ લઈ 6 જુગારી ફરાર

- ઓથા, ઉમરાળા, મહુવા, કરેડા, સિહોર,પાડાપણ, ટીંબી, તોતણિયાળા અને ભાવનગરની શિક્ષક સોસાયટીમાં જુગારની બાજી મંડાતા પોલીસ ત્રાટકી

ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઓથા, ઉમરાળા, મહુવા, કરેડા, સિહોર,પાડાપણ, ટીંબી, તોતણિયાળા ગામે જુગટૂં ખેલતા ૩૫ પત્તાપ્રેમીને પોલીસે દરોડો પાડી રોકડ, ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રથમ બનાવમાં મહુવા તાલુકાના ઓથા ગામે આવેલ પાટી વિસ્તારમાં કાળુભાઈ હડિયાની વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ત્રણ જુગારી વિપુલ સવજીભાઈ સોલંકી, સાજીદ દાદુભાઇ સોરઠીયા અને રણછોડ જાદવભાઈ કળસરિયા (રહે, ત્રણેય ઓથા, તા.મહુવા )ને બગદાણા પોલીસે ઝડપી લઈ રોકડ અને જુગારનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બીજા બનાવમાં ઉમરાળા ગામે એસટીડી પાછળ વિપુલ દીપકભાઈ જાદવના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી વિપુલ દીપકભાઈ જાદવ, પરેશ કરશનભાઈ પાટડિયા, પુનિત ઉર્ફે પિન્ટુ ભાવેશભાઈ બારૈયા, વિશાલ અશોકભાઈ વાઘેલા અને ભાવિક મુકેશભાઈ બલોલિયાને ઉમરાળા પોલીસે ઝડપી લીધા હતા. ત્રીજા બનાવમાં ટીંબી ગામે ઈન્દીરાનગર ચોકમાંથી સંદીપ બીજલભાઈ પરમાર, રાહુલ મનજીભાઈ રાઠોડ અને ઈમરાન યુનુસભાઈ ખેરડિયા નામના શખ્સોને ઉમરાળા પોલીસે રોકડ, ગંજીપાના સાથે પકડી પાડયા હતા.

ચોથા બનાવમાં ઘોઘાના કરેડા ગામે તળાવ પાસે ઘોઘા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પ્રેમજી ઉર્ફે નીતલો ભુપતભાઈ જાદવ, રણજીતસિંહ જશુભા ગોહિલ, રાજુ પરશોત્તમભાઈ જાદવ અને વિપુલ વનાભાઈ જાદવ નામના ચાર ગેમ્બલરને ઝબ્બે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતા. તો રામજી જીવણભાઈ બારૈયા, ધીરૂ નાગજીભાઈ જાદવ, ટીણા શામજીભાઈ સોલંકી, વિનુ વાનાભાઈ જાદવ, કાનજી ભુરાભાઈ દિહોરા અને ભાવેશ જગાભાઈ સોલંકી નામના છ જુગારી બાવળની કાંટનો લાભ લઈ નાસી છૂટયા હતા. પાંચમાં બનાવમાં શહેરના ભરતનગર, શિક્ષક સોસાયટી વિસ્તારમાં આવેલ પંચમુખી મંદિરની બાજુની ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે ડી.વાય.એસ.પી. સ્ક્વોડે દરોડો પાડી જુગાર રમતા દુર્ગેશ સુરેશભાઈ મકવાણા, રાજુ ખોડીદાસ ડાભી, લાખા કમાભાઈ સાટીયા, ભરત દેવાભાઈ સાટીયા અને નરેશ ધનજીભાઈ પ્રજાપતિ નામના પાંચ શખ્સને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ભરતનગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

છઠ્ઠા બનાવમાં સિહોર પોલીસે ગુંદાળા, મફતનગર વિસ્તારમાંથી પ્રકાશ ડાયાભાઈ વાઢેર અને સુરેશ ભીમાભાઈ સોલંકીને જુગાર રમતા ઝબ્બે કર્યા હતા. સાતમાં બનાવમાં સોનગઢ પોલીસે પાડાપાણ ગામેથી હિંમત ધીરૂભાઈ પરમાર, બિજલ ધીરૂભાઈ મુલાણી, ભરત ભીખાભાઈ મકવાણા, શૈલેષ રમેશભાઈ વાઘેલા, જયેશ સામંતભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. આઠમાં બનાવમાં વલ્લભીપુરના તોતણિયાળા ગામેથી શૈલેષ જીવરાજભાઈ ડાભી, પ્રવીણ પરશોત્તમભાઈ ઝાપડિયા, જાદવ ઉકાભાઈ સોલંકી અને રાજેશ ડાયાભાઈ મકવાણા નામના શખ્સોને વલ્લભીપુર પોલીસે જુગાર રમતા દબોચી લીધા હતા. નવમાં બનાવમાં મહુવામાં આઈટીઆઈ પાછળ, ખારા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા મહમદસફી ઉર્ફે કાળુ જુસબભાઈ કાળવાતર, હમીદ અલારખભાઈ કલાણિયા, સોહિલ ઉર્ફે ભોકર રાજુભાઈ યાફાઈ અને સમીર ઉર્ફે ખમણો સાલેભાઈ યાફાઈ નામના ચાર જુગારીને મહુવા પોલીસે ઝબ્બે કર્યા હતા.


Google NewsGoogle News