Get The App

શહેરમાં પતંગની દોરીના લીધે 35 પક્ષીઓ મૃત્યુ : 30 ઘાયલ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
શહેરમાં પતંગની દોરીના લીધે 35 પક્ષીઓ મૃત્યુ : 30 ઘાયલ 1 - image


- ઉત્તરાયણમાં કરૂણા અભિયાન અંતર્ગત 6 રીસીવીંગ સેન્ટર રહ્યા કાર્યરત

- મૃત્યુ પામેલ પંખીઓમાં કબૂતર અને પેઈન્ટેડ સ્ટોર્ક મુખ્ય : પર્યાવરણ પ્રેમીઓમાં શોકની લાગણી

ભાવનગર : શહેરમાં ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીના કારણે ૭૪ પંખી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ૩૫ પક્ષીએ દમ તોડી દીધો હતો. જ્યારે બીજા ૩૯ પંખી હાલ સારવાર હેઠળ છે. તેમ વન વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીના કારણે પક્ષીઓના ગંભીર રીતે ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો નોંધાતા હોય છે. આથી કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે સરકાર દ્વારા  તા.૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે કરૂણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગની હેલ્પલાઈન, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન અને વોટ્સ એપ નંબર જારી કરવામાં આવ્યો હતો. ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે શહેરમાં ૬ રીસીવીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ગંગાજળિયા તળાવ, ઘોઘા જકાતનાકા, ચિત્રા, કુંભારવાડા, વિક્ટોરિયા પાર્ક ગેટ-૧, સીદસર રોડ પર આવેલ પશુ દવાખાનાનો સમાવેશ થાય છે. જ્યારે શહેરના નવાપરા અને વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા હતા. આ દરમિયાન શહેરના જુદાજુદા વિસ્તારમાં ગઈ કાલ તા.૧૪ના રોજ ૭૪ જેટલા પંખી પતંગની દોરીના કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી ૩૫ પંખીએ જીવ ગુમાવ્યો હતો. આ ૩૫ પંખીમાં કબૂતરર અને પેઈન્ટેડ સ્ટોર્ક મુખ્ય છે. જ્યારે ૩૯ પક્ષી ઈજાગ્રસ્ત થતા હાલ સારવારમાં છે. ૩૫ પંખીના મૃત્યુથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

એનિમલ હેલ્પલાઈન દ્વારા 33 પંખીની સારવાર : 1 લલેડુ, 7 કબૂતરના મૃત્યુ 

શહેરમાં પતંગની દોરીના કારણે ગઈ કાલે તા.૧૪ના રોજ ૨૫ કબૂતર, ૧ લલેડુ અને ૧ પેઈન્ટેડ સ્ટોર્ક સહિત ૨૭ પંખી ઘવાયા હતા . જેમાં ૭ કબૂતર અને ૧ લલેડુનું મૃત્યુ થયું હતું. જ્યારે ૧ પેઈન્ટેડ સ્ટોર્કને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વન વિભાગને સુપ્રત કરાયું હતું. દરમિયાનમાં, આજે ૬ કબૂતર ઘવાયા હોવાના કોલ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં કાર્યરત એનિમલ હેલ્પલાઈનને મળ્યા હતા. આ તમામ ઘાયલ પંખીને જીવ રક્ષક દળ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 


Google NewsGoogle News