સોમવારથી શરૃ થતી છઠ્ઠા તબક્કાની યુનિ.પરીક્ષામાં 32 હજાર પરીક્ષાર્થી
શહેર-જિલ્લાના 37 કેન્દ્રો પર ત્રણ સેશનમાં લેવાશે પરીક્ષા
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા તબક્કાની રેગ્યુલર પરીક્ષા આગામી તા.૨ ડિસેમ્બરથી શરૃ થવા જઇ રહી છે જે ત્રણ સેશનમાં લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં યુજી સેમ. ૧-૩, પીજી સેમ. ૧-૩ અને બી.એડ. સેમ.૧-૩ના કુલ મળી ૩૨૦૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેની બેઠક વ્યવસ્થા માટે ભાવનગર શહેર તેમજ જિલ્લાના કુલ ૩૭ સેન્ટરો ફાળવાયા છે.
મળતી વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના યુજી સેમ.૧-૩, પીજી સેમ.૧-૩, બી.એડ., બી.એડ. એચ.આઇ. સેમ.૧-૩માં અભ્યાસ કરતા રેગ્યુલર વિદ્યાર્થીઓની છઠ્ઠા તબક્કાની પરીક્ષા આગામી તા.૨ ડિસેમ્બરથી શરૃ થવા જઇ રહી છે જેનું આયોજન પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાનાર છે જેમાં પ્રથમ ૮.૩૦ થી ૧૧માં કુલ ૧૪૧૬૬ વિદ્યાર્થી, દ્વિતિય સેશન ૧૨ થી ૨.૩૦માં ૧૫૦૪૧ વિદ્યાર્થી તથા તૃતિય સેશન ૩.૩૦ થી ૬માં ૨૮૨૭ એમ કુલ મળી ૩૨૦૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ તમામ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે ભાવનગર શહેરની ૧૭ તથા તાલુકા મથકની ૨૦ કોલેજો સંસ્થાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. તો આ સેન્ટરોની સાથો સાથ ઓબ્ઝર્વરની પણ નિમણૂકો કરાઇ છે. રેગ્યુલર પરીક્ષા સંદર્ભે તકેદારી રાખવામાં આવી છે. જો કે, એક બ્લોક દીઠ ૨૫ અથવા ૩૦ વિદ્યાર્થીઓની ગોઠવણ કરવામાં આવી છે. જ્યારે આ પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ અટકાવવા પુરતી તકેદારી રાખવા પણ નિરીક્ષકોને સુચના અપાઇ છે.