Get The App

ભાવનગરની રથયાત્રાના રૂટમાં 31 એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ફરજ બજાવશે

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ભાવનગરની રથયાત્રાના રૂટમાં 31 એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ફરજ બજાવશે 1 - image


- રથયાત્રાના પગલે નાયબ મામલતદાર કક્ષાના કર્મીને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સત્તા સોંપવા મંજુરી 

- ઉચ્ચ અધિકારીને રીપોર્ટીંગ કરાશે : શહેરમાં 10 પોઈન્ટ પરથી નજર રખાશે : સીટી મામલતદાર સહિતના અધિકારી રથયાત્રાની સાથે રહેશે 

ભાવનગર : ભાવનગર શહેરમાં આગામી રવિવારે ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા નિકળશે. આ રથયાત્રામાં જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ ફરજ બજાવશે અને રથયાત્રાનુ નિરીક્ષણ કરશે. રથયાત્રા માટે દર વર્ષે નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સત્તા આપવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે જિલ્લા કલેકટરે નાયબ મામલતદારોને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના આજે શુક્રવારે ઓર્ડર કરી સત્તા આપી છે. રથયાત્રાના પગલે ૩૧ નાયબ મામલતદારને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સત્તા સોંપવા મંજુરી મળી હોવાનુ જાણવા મળેલ છે. 

દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર શહેરમાં આગામી તા. ૭ જુલાઈને રવિવારે ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા નિકળશે. આ રથયાત્રા માટે ભાવનગરના જિલ્લા કલેકટરે ૩૧ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સત્તા સોંપી છે. આ અધિકારીઓ રથયાત્રા દરમિયાન ફરજ બજાવશે અને અધિક કલેક્ટર તેમજ જિલ્લા કલેકટરને રીપોર્ટીંગ કરશે. સીટી મામલતદાર રથયાત્રાની સાથે રહેશે. કલાસ વન અધિકારી પણ રથયાત્રા દરમિયાન કર્મચારીઓને માર્ગદર્શન આપશે. ૩૧ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને જુદા જુદા પોઈન્ટ પર ફરજ સોંપવામાં આવી છે. રથયાત્રામાં ફરજ માટે ૧૦ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ચાવડીગેટ, જશોનાથ, ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા, ડો. ગજ્જરના દવાખાના ચોક, રાણીકા, રૂવાપરી ગેટ, હલુરીયા ચોક વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. આ પોઈન્ટ પર અધિકારીઓ ખડેપગે રહેશે અને રથયાત્રાનુ નિરીક્ષણ કરી જિલ્લા કલેકટરને રીપોર્ટીંગ કરશે. 

કેટલાક અધિકારીઓ રથયાત્રાની સાથે રહેશે. કેટલાક અધિકારી ડીવાયએસપીની સાથે રહેશે. રથયાત્રા દરમિયાન કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બનાવ બને તો તેને તત્કાલ અટકાવવા પગલા લેવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ સમસ્યા હશે તો અધિકારીઓ જિલ્લા કલેકટરને તત્કાલ જાણ કરશે. જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રથયાત્રામાં નિરીક્ષણ કરવા આવે તેવી શકયતા છે તેમ સુત્રોએ જણાવેલ છે. જગન્નાથજીની રથયાત્રા શરૂ થાય અને પુરી થાય ત્યાં સુધી અધિકારીઓ ફરજ પર રહેશે અને જવાબદારી નિભાવશે. 

રથયાત્રાના પગલે કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ 

ભાવનગરની જિલ્લા કલેકટર કચેરી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પગલે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી રવિવારે રથયાત્રા છે તેથી આ કન્ટ્રોલ રૂમ ર૪ કલાક શરૂ રહેશે. કન્ટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. રથયાત્રામાં કોઈ અનીચ્છીનીય બનાવ ના બને તે માટે સરકારી તંત્ર એલર્ટ રહેશે. કોઈ બનાવ બને તો લોકોએ કન્ટ્રોલ પર જાણ કરવી તેમ જણાવવામાં આવેલ છે.


Google NewsGoogle News