જસદણ પંથકમાંથી રૂા.7 લાખના દારૂ ભરેલા કન્ટેનર સાથે 3 શખ્સ ઝડપાયા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જસદણ પંથકમાંથી રૂા.7 લાખના દારૂ ભરેલા કન્ટેનર સાથે 3 શખ્સ ઝડપાયા 1 - image


દેવપરા ગામની સીમમાં કટીંગ વખતે પોલીસનો દરોડો

ચોટીલાના રાજુ પરાલીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો, હરિયાણાના બે સપ્લાયરોની પણ શોધખોળ

જસદણ: જસદણ પોલીસે દેવપરા ગામની સીમમાંથી રૂ.૭ લાખના દારૂ ભરેલ કન્ટેનર સાથે ત્રણ શખ્સોને પકડી કુલ રૂ.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાના રાજુ પરાલીયા અને મોકલનાર હરિયાણાના રાકેશ ઉર્ફે રીંકુ અને પ્રધાનજીની શોધખોળ હાથ ધરી હતી. ગુજરાતમાં દારૂબંધી નામની જ હોય તેમ હરિયાણાથી દારૂના ધંધાર્થીએ મોકલેલ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ગુજરાતમાં ગોધરામાંથી પ્રવેશી વડોદરા, વાસદ, બોરસદ તારાપુર, બગોદરા, ચોટીલાથી જસદણ સુધી પહોંચી ગયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીએ બાતમીના આધારે જસદણથી વિંછીયાના રસ્તે થઈ દેવપરા ગામના પાટીયા નજીક કાચા રસ્તે  ઉભેલા કન્ટેનરને કોર્ડન કરી અંદર બેઠેલા ત્રણ શખ્સોને નીચે ઉતારી કન્ટેનરની પાછળના ભાગે દરવાજો ખોલી અંદર તપાસ કરતાં જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૧૩૮ પેટી (૧૬પ૬ બોટલ) મળી આવી હતી. 

જેની કિંમત જસદણ પોલીસે રૂા. ૭.૦ર લાખ ગણી કન્ટેનર રોકડ વગેરે મળી કુલ રૂા. ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે જ કન્ટેનરના ડ્રાઈવર ઝબરસીંગ ગોવિંદસિંહ રાઠોડ(ઉ.વ.૪૦, રહે-નંદવાણ,રાજસ્થાન), રણજીત વિહા પરાલીયા(ઉ.વ.૨૫, રહે-ગુંદા,ચોટીલા) અને  મહેશ જીવન હીરપરા (ઉ.વ.૩૯, રહે-ચીતલીયારોડ હીરપરાનગર-૨,જસદણ)ની ધરપકડ કરી હતી. 

ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કન્ટેનર હરિયાણાથી રાજસ્થાન થઈ શામળાજી બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યાર પછી ગોધરા, વડોદરા, વાસદ, બોરસદ, તારાપુર, બગોદરા થઈને ચોટીલા પહોંચ્યું હતું. દારૂનો આ જથ્થો હરિયાણાના રાકેશ ઉર્ફે રીન્કુ અને પ્રધાનજીએ ભરી આપ્યો હતો.  ગઈકાલે સાંજે આઠેક વાગ્યે ચોટીલા પહોંચ્યા હતા ત્યારે રાજુ પરાલીયાએ ચોટીલાની હોટલ પાસે ઉભા રહેવાનું કહ્યું હતું. ત્યાર પછી રાજુનો માણસ રણજીત આવ્યો હતો. રસ્તામાં દારૂનો જથ્થો ઉતારવા માટે મજુર તરીકે મહેશને સાથે લીધો હતો. રણજીતે પોલીસને જણાવ્યું કે દારૂનો આ જથ્થો તેના શેઠ રાજુએ મંગાવ્યો હતો. જેનું કટીંગ જસદણના દેવપરા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ કરવાનું હતું. 

આ કટીંગ દરમિયાન જ જસદણ પોલીસે દારૂનો જથ્થો પકડી પાડી રાજુ અને હરિયાણાથી દારૂનો જથ્થો મોકલનાર બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે. સાથો-સાથ દારૂનો જથ્થો ખરેખર કયાં અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News