બોગસ એકાઉન્ટકાંડના માસ્ટર માઈન્ડ સહિત 3 શખ્સ પોલીસ પકડથી દૂર
- કાંડનાં સંડોવાયેલા 3 શખ્સ જેલહવાલે કરાયા
- લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢીઓ ઉભી કરી યુવાન સાથે છેતરપિંડી આચરી હતી, વધુ એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ઉઠાવી લીધો
ઉપલબ્ધ થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા રત્નકલાકાર અરવિંદભાઈ કેશવભાઈ કંટારીયાને આશરે બે વર્ષ પહેલા ગામડે મકાનનું કામ ચાલુ હતું અને ત્યારે પૈસાની ખુબ જ જરૂરિયાત ઉભી થતાં લોન લેવી પડે તેમ હતી. આથી તે જ ગામે રહેતો તેનો મિત્ર કિશોર મગનભાઈ ખસિયા (રહે.મોટા ખોખરા,તા. ઘોઘા જિ,ભાવનગર)ને વાત કરી હતી. જેથી કિશોર ખસિયાએ તેમના ઓળખીતા બાબુ ચુડાસમા (રહે, માલણકા)ને વાત કરી હતી. ત્યાર પછી પોતે, કિશોર ખસિયા અને બાબુ મોટા ખોખરા ગામે મળ્યા હતા અને થોડા દિવસ પછી બાબુ ચુડાસમાએ કહેલ કે, 'આપણે મુંબઈ જવાનું છે' તેમ કહીં આ બંને શખ્સ તથા રમેશ બારૈયા (રહે.રતનપર)ને અર્ટીગા કારમાં મુંબઈના પનવેલ ખાતે લઈ ગયેલ ત્યાં બાબુ ચુડાસમા અને કિશોર ખસિયાના ઓળખીતા મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલને મળ્યા હતા. મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલને પોતાના આધારકાર્ડ તથા પાનકાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા આપ્યા હતા અને તેનાથી પોતાના નામે સીમકાર્ડ લીધું હતું. ત્યારબાદ મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ પોતાને મુંબઈમાં આવેલ કોટક બેન્કમાં લઈ ગયેલ અને બેંકમાં પોતાના અંગુઠાનું નિશાન કરી આપેલ હતું. જે આધારે બેન્કમાં પોતાનું એકાઉન્ટ ખોલાવેલ. પોતાના નામના બેંક એકાઉન્ટની કીટ, એટીએમ કાર્ડ તથા સીમકાર્ડ કઢાવેલ તે મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલે રાખેલ હતા. થોડા દિવસ પછી બાબુ ચુડાસમા પોતાના ગામ ખોખરા આવેલ અને પોતાને મળીને વાત કરેલ કે, મુંબઈ એકાઉન્ટ ખુલેલ નથી જેથી હવે જોધપુર રાજસ્થાન જવું પડશે તેમ કહીં બાબુ ચુડાસમા તથા કિશોર ખાસિયા જોધપુર લઈ ગયેલ અને ત્યાં બાબુ અને કિશોરના ઓળખીતા રમેશ અગ્રવાલ (રે. જોધપુર)ના કહેવાથી તેમના ડ્રાઈવર રાહુલ બધાને એક બેન્કમાં લઈ ગયેલ. ત્યાં બેન્કમાં એકાઉન્ટ ખોલાવેલ અને રમેશ અગ્રવાલે રાખેલ હતા. થોડા દિવસ વિત્યા ત્યાં કિશોર અને બાબુએ જણાવેલ કે, જોધપુરમાં ખાતું ખુલેલ નથી. જેથી ચેન્નઈ જવું પડશે. જેથી કિશોર ખસિયા પોતાને તથા પોતાની સાથે હાદકભાઈ ભીમજીભાઈ વાઘેલા (રહે. મોટા ખોખરા) તથા પ્રકાશભાઈ પરમાર (રહે. પીપરલાગામ )ને ટ્રેનમાં ચેન્નઈ લઈ ગયા બાદ આજ સિલસિલો દોહરાવી સીમ કાર્ડ અને કીટ રાહુલે તેની પાસે રાખેલ હતી. આમ, વિશ્વાસમાં લઇ પોતાને લોન અપાવવાના બહાને પ્રિ-પ્લાનથી ખોટી ઓળખ ઉભી કરી જીએસટી નંબરથી પેઢી ખોલી યુવાનની જાણ બહાર બેંક એકાઉન્ટમાં આથક વ્યવહારો કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.વી રબારીએ જણાવ્યું હતું કે, બોગસ એકાઉન્ટકાંડમાં સંડોવાયેલા કિશોર મગનભાઈ ખસિયા, બાબુ ચુડાસમાને રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપી લેવામાં આવ્યા હતાં. બન્નેની પૂછપરછ કરવામાં આવતા વધુ એક શખ્સ મુસ્તાક સલીમભાઈ કુરેશીની સંડોવણી ખુલતા શખ્સને ભાવનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્રણેયની પૂછપરછ બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે. જ્યારે આ કાંડનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ, રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ અને તેના ડ્રાઈવર રાહુલની શોધખોળ કરવામાં આવી રહી છે.