કાળિયાબીડના શિક્ષક સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કેસમાં 3 શખ્સ ઝડપાયા
- ત્રણેય શખ્સ એક દિવસના રિમાન્ડ પર
- શિક્ષકને શેર બજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી રૂા. 53.07 લાખની તફડંચી કરી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલ સંકુલ ખાતે રહેતા અને અને સરદાર પટેલ સ્કૂલમાં કેમેસ્ટ્રીનાં શિક્ષક ચેતનભાઇ વિનોદભાઈ જોશીએ ગત ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ નાં દિવસે રેન્જ સાયબર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,અજાણ્યા શખ્સોએ શિક્ષકને શેર બજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી સાથે વિશ્વાસ કેળવી ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ.૫૩,૦૭,૦૦૦ ની છેતરપિંડી આચરી હતી આ બનાવ સંદર્ભે સાયબર સેલનાં અધિકારીઓએ ગૌતમ બાબુભાઇ વાણંદ ઉ.વ.૪૦ ધંધો.હેરકટીંગ (હાલ રહે.૨૭ મહેશ્વરી સોસાયટી વિભાગ-૧ અંબર સિનેમા પાસે બાપુનગર, અમદાવાદ મુળ રહે.ફુલેતરાગામ કલોલ રોડ તા.કડી જી.મહેસાણા ),રોનક અમરતભાઇ નાઇ ઉ.વ.૨૭ ધંધો.પ્રા.નોકરી (રહે.હાલ ડિ-૧૦૨, ક્રિશ ગોલ્ડ ફ્લેટ, ડિ-માર્ટની બાજુમા, નિકોલ અમદાવાદ મુળ રહે.ધમાસણા તા.કલોલ જી.ગાંધીનગર ),રોહીત રમેશભાઇ મકવાણા ઉ.વ.૩૩ ધંધો.રેપીડો બાઇક ચલાવવાનો ( હાલ રહે.બી-૨૯ રત્નદીપ સોસાયટી પુજન હોસ્પીટલની બાજુમા નરોડા અમદાવાદ મુળ રહે.જુના ડીસા બ્રાહ્મણ વાસ તા.ડીસા જી.બનાસકાંઠા)ને ઝડપી લીધા હતા .દરમિયાનમાં ત્રણેય શખ્સને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવા માં આવ્યા છે.તદુપરાંત ઝડપાયેલા ત્રણેય શખ્સ બેંક એકાઉન્ટમા પૈસા નખાવી વિડ્રો કરી આપતા હતા.તેમ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન નાં પીઆઈ કે જી ચાવડાએ જણાવ્યું હતું.