Get The App

ચોટીલા-રાજકોટ હાઇ-વે પર એમ્બ્યુલન્સ અને ટ્રક અથડાતા ચાલક સહિત ત્રણના મોત

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ચોટીલા-રાજકોટ હાઇ-વે પર એમ્બ્યુલન્સ અને ટ્રક અથડાતા ચાલક સહિત ત્રણના મોત 1 - image


મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાતા હતા ત્યારે અકસ્માત

આપા ગીગાના ઓટલા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક, દર્દીના બહેન તથા પુત્રીએ જીવ ગુમાવ્યા 

ચોટીલા : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રિના ખાનગી હોસ્પીટલની એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સના ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન મકવાણા (ઉ.વ.૩૫) ચોટીલા સરકારી હોસ્પીટલ ખાતે પોતાની ૧૮ વર્ષની દિકરી તથા દિકરા સાથે સારવાર અર્થે આવ્યા હતા. જે દરમ્યાન તેમના રાજકોટ ખાતે રહેતા બેન તેમજ બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા.અને સારવાર દરમ્યાન કાજલબેનની તબીયત વધુ લથડતા ફરજ પરના ડોક્ટરે દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે લઈ જવાનું જણાવ્યું હતું. પરંતુ સરકારી એમ્બ્યુલન્સ અન્ય ગામમાં કામગીરીમાં ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સ (ઈકો કાર)માં દર્દીને સારવાર અર્થે રાત્રીના સમયે રાજકોટ લઈ જઈ રહ્યાં હતાં.ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ.૩૫) તથા તેમની દિકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ.વ.૧૮)( બન્ને રહે.રાજપરા તા.ચોટીલા) તેમજ તેમના મોટાબેન ગીતાબેન, બનેવી જયેશભાઇ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર એમ પાંચ વ્યક્તિ ગત રાત્રિના રાજકોટ હોસ્પીટલે સારવાર અર્થે જઈ રહ્યાં હતાં.

જે દરમ્યાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા પાસે હાઇ-વે પર એમ્બ્યુલન્સ ટ્રક સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ બનાવથી આસપાસના વાહનચાલકો ઉમટી પડયાં હતાં અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને એમ્બ્યુલન્સમાં સવાર તમામ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં  હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.જેમાં ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મીયાત્રા (ઉ.વ.૪૫)(રહે.રાજકોટ)ને મૃત જાહેર કર્યા હતા.જ્યારે પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ચાલક વિજયભાઈ જીવાભાઈ બાવળીયા (ઉ.વ.૩૯) (રહે.ચોટીલા)ને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતાં.પરંતુ બન્ને ઈજાગ્રસ્તો રાજકોટ પહોંચે તે પહેલા જ મોત નીપજતા કુલ મૃત્યુઆંક ૩ થયો હતો. આમ એક જ પરિવારની બે મહિલા સહિત એમ્બ્યુલન્સના ચાલકનું મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.જે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.


Google NewsGoogle News