ઘર અને વાહનની તોડફોડ કરનાર ભાજપના 2 નેતા સહિત 3 ઝબ્બે
- ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં
- 4 શખ્સ પુત્રને મારવા માટે ઘર સુધી ધોકા સાથે ધસી આવ્યા હતા : તોડફોડ અને ઝપાઝપીમાં મહિલાનો સોનાનો ચેઈન અને મંગળસૂત્ર પણ પડી ગયા હતા
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈ કાલે ભાવનગરના નિર્મળનગર, અપ્સરા ટોકીઝની બાજુમાં આવેલ પ્લોટ નં.૧૭૯, શેરી નં.૦૨ માં રહેતા અને કટલેરીનો વેપાર કરતા દિપકભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને તેમના પત્ની પોતાની દુકાને થી ઘરે આવ્યા હતા.અને તેમના પરિવારના સભ્યો રાત્રિના ૯ વાગ્યા આસપાસ ઘરે હાજર હતા. તે દરમિયાન દીપકભાઈનો દીકરો કુશ અપ્સરા પાસેથી ઘરે દોડતો આવ્યો હતો. અને તેની પાછળ શેરી નં. ૦૭ માં રહેતા ભાજપના યુવા મોરચાના કાર્યાલય મંત્રી કૃપાલ ભુપતભાઈ ચૌહાણ, સંજય ભુપતભાઈ ચૌહાણ,ભાજપના વડવા બ વોર્ડના મહામંત્રી મયુર દોલતભાઈ પરમાર અને દંતુ ઉર્ફે દાંતાળો ધોકા લઈને આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી મારામારી કરવા લાગ્યા હતા. ધોકા સાથે ધસી આવેલા શખ્સોએ ઘરના દરવાજાને ધોકા ફટકારી તોડ ફોડ કરી હતી. તેમજ મોટરસાઇકલને પણ ધોકા મારી નુકસાન કરેલું હતું. આ ઝપાઝપી અને તોડફોડ દરમિયાન દીપકભાઈના પત્ની દક્ષાબેન વચ્ચે પડતા તેમને પણ ઈજા થઈ હતી. અને તેમણે પહેરે સોનાનો ચેઇન અને મંગળસૂત્ર પણ ક્યાંક પડી ગયું હતું. દરમિયાન લોકો ભેગા થઈ જતા ચારેય શખ્સે ધમકી આપી જતા નાસી છૂટયા હતા.
આ બનાવ સંદર્ભે દિપકભાઈ લક્ષ્મણભાઈ પરમારે નિર્મળનગર શેરી નં. ૦૭ માં રહેતા ભાજપના કાર્યાલય મંત્રી કૃપાલ ભુપતભાઈ ચૌહાણ, તેનો ભાઈ સંજય ભુપતભાઈ ચૌહાણ, વડવા બ વોર્ડના મહામંત્રી મયુર દોલતભાઈ પરમાર અને દંતો ઉર્ફે દાંતાળો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ભાજપના યુવા મોરચાના કાર્યાલય મંત્રી કૃપાલ ભુપતભાઈ ચૌહાણ, તેનો ભાઈ સંજય ભુપતભાઈ ચૌહાણ, ભાજપના વડવા બ વોર્ડના મહામંત્રી મયુર દોલતભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.