મહિલાની હત્યા પ્રકરણમાં 3 ઝડપાયા, 1 શખ્સ રિમાન્ડ પર
- શહેરના ફુલસર વિસ્તારમાં
- ઝડપાયેલા વઘુ બે શખ્સને કોર્ટમાં રજૂ કરાશે
ભાવનગર : ભાવનગરનાં ફુલસર ગામના આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતી મહિલાના દીકરાએ ત્રણ વર્ષ પહેલા કરેલ પોલીસ ફરિયાદ અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હોય આ કેસ પાછો ખેંચી લેવાનું કહીને આ જ વિસ્તારમાં રહેતા ચાર શખ્સોએ મહિલા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્તા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ બનાવ અંગે બોરતળાવ પોલીસે હત્યા ની કલમનો ઉમેરો કરી ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસે એક શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.તદુપરાંત વઘુ બે શખ્સને ઉઠાવી લેવામાં આવ્યા છે
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ફુલસર ગામમાં આવેલ ૨૫ વરિયા વિસ્તાર, સંસ્કાર પ્રાથમિક શાળા પાસેની બજરંગદાસ બાપાની મઢુલી વાળા ખાંચામાં રહેતા કિશોરભાઈ લખુભાઈ મારુંના દીકરા ગૌતમભાઈએ ત્રણ વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં રહેતા શૈલેષ ધનજીભાઈ અને રોહન શંભુભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી જે અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હતો.દરમિયાન ગઈકાલે સાંજના સમયે કિશોરભાઈના પત્ની ગીતાબહેન શેરીમાં આવેલ દુકાને તેમના પતિ માટે બીડી લેવા ગયા હતા ત્યારે શૈલેષ ધનજીભાઈ, રોહન શંભુભાઈ અને બે અજાણ્યા શખ્સએ આવીને ગાળો આપી કોર્ટ કેસમાં સમાધાન કરી લેવાનું કહેતા ગીતાબહેને સમાધાન કરવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ગીતાબહેન દુકાન સામે જ પડી ગયા હતા. હુમલાખોરોએ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોય તે કેમેરાની પણ તોડફોડ કરી દુકાનદારને ધમકી આપતા દુકાનદાર પણ તેમની દુકાન બંધ કરીને જતા રહ્યા હતા.દરમિયાનમાં ગીતાબહેનને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.આ બનાવમાં બોરતળાવ પોલીસે રોહન શંભુભાઈ મકવાણા ઉ.વ ૩૪ ( રહે.ચિત્રા બેંક કોલોની ભાવનગર ) ની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા દિવસ બે નાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.જ્યારે મહિલાની હત્યામાં સંડોવાયેલા વધુ બે જયદીપ ઉર્ફે ભૂરો રમેશભાઈ અને આકાશ ઉર્ફે અકેલો ને પોલીસે ઉઠાવી લીધા હોવાનું ડીવાયએસપી આર આર સિઘાલે જણાવ્યું હતું.