Get The App

શહેરમાં 3.03 લાખ વ્યક્તિ વેક્સિનના બન્ને ડોઝથી રક્ષિત

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News
શહેરમાં 3.03 લાખ વ્યક્તિ વેક્સિનના બન્ને ડોઝથી રક્ષિત 1 - image


- 28,891 યુવાનોની કોરોના રસી લેવામાં આળસ

- કોર્પોરેશન એરિયામાં પ્રથમ ડોઝનો લક્ષ્યાંક 102.57 ટકા થયો, 68.43 ટકા લોકોએ બીજા ડોઝ લીધો

ભાવનગર : ભાવનગરમાં કોરોનાની બીજી લહેર બાદ વેક્સિનેશનને લઈ લોકોમાં આવેલી જાગૃતિને કારણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૦૨ ટકાને વટી ચુકી છે. જ્યારે બીજા ડોઝ લેવામાં હજુ ત્રણ લાખથી વધુ નાગરિકો બાકી છે. શહેરમાં ૪૫થી વધુ ઉંમરના લોકોમાં યુવાનોની તુલનામાં રસીકરણને લઈ વધુ જાગૃતતા જોવા મળી રહી છે. જે ૪૪ વયજૂથમાં વેક્સિનેશનની થયેલી કામગીરી ઉપરથી ફલિત થાય છે.

શહેરમાં છેલ્લા ચાર-પાંચ માસથી વેક્સિનેશનની કામગીરી ઉપર મ્યુનિ.ના આરોગ્ય વિભાગે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રજાના દિવસોમાં પણ યુપીએચસી ખાતે વેક્સિનેશનનું કાર્ય શરૂ રાખવામાં આવતા આજની સ્થિતિએ પ્રથમ ડોઝમાં ૧૦૨.૫૭ ટકા અને બીજા ડોઝમાં ૬૮.૪૩ ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે. કોર્પોરેશન એરિયામાં ૪,૪૩,૬૦૦ નાગરિકોને રસી આપવાનો લક્ષ્યાંક હતો. તેની સામે ૪,૫૫,૦૧૪ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. તે પૈકીના ૩,૦૩,૫૪૦ વ્યક્તિએ રસીના બન્ને ડોઝ પૂરા કર્યા છે.

વયજૂથમાં વેક્સિનેશનની કામગીરી ઉપર નજર કરીએ તો ૪૫+માં ૧,૬૫,૧૦૬ના ટાર્ગેટ સામે ૧,૬૨,૪૯૩ (૯૮.૪૨ ટકા) અને બીજા ડોઝમાં ૧,૩૩,૨૩૯ (૮૨.૦૦ ટકા) વ્યક્તિનું વેક્સિનેશન થયું છે. તેની સામે ૧૮થી ૪૪ વયજૂથમાં ૨,૭૮,૪૯૪ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ લેનાર યુવાનોની સંખ્યા ૨,૪૯,૬૦૩ (૮૯.૬૩ ટકા) અને ૧,૩૨,૩૬૫ (૪૭.૫૩ ટકા) જણે બીજો ડોઝ લીધો છે. ઉલ્લેખનિય છે કે, ૧૮થી ૪૪ વર્ષ સુધીના ગુ્રપમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકની સામે ૨૮,૮૯૧ યુવાનોએ કોરોનાની રસી લેવામાં આળસ કરી છે. 

જાહેર રજામાં 4322 લોકોએ રસીના ડોઝ લીધા

ગુરૂનાનક જયંતીની સરકારી કચેરીઓમાં જાહેર રજા હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ૧૩ અર્બન પ્રાથમિક હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનનું કામ શરૂ રાખવામાં આવ્યું હતું. જેના કારણે જાહેર રજામાં પણ ૪૩૨૨ લોકોએ રસીના ડોઝ લીધા હતા. સૌથી વધુ ૧૦૦૫ ડોઝનું વેક્સિનેશન બોરતળાવ યુપીએચસીમાં થયું હતું. તો ભીલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર ૬૬ વ્યક્તિ રસી લેવા માટે પહોંચ્યા હતા. તેમાં પણ ૧૮થી ૪૪ વર્ષના યુવાનોનો જ સમાવેશ થાય છે. ભીલવાડા આરોગ્ય કેન્દ્રમાં આજે ૧૯ યુવાને પ્રથમ ડોઝ અને ૪૭ યુવકે રસીનો બીજો ડોઝ લીધો હતો.


Google NewsGoogle News