Get The App

જૂનાગઢમાં યુવાનને ગળે છરી રાખી 26.80 લાખની લૂંટ કરનાર ત્રણ ઝબ્બે

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
જૂનાગઢમાં યુવાનને ગળે છરી રાખી 26.80 લાખની લૂંટ કરનાર ત્રણ ઝબ્બે 1 - image


- લૂંટ કરી આરોપીઓ વંથલી મેંગો માર્કેટ જતા રહ્યા હતા

- આંગડીયું કરવા પૈસા આપ્યા પરંતુ બાદમાં કેન્સલ કર્યું અને યુવકની સાથે રહેલા શખ્સે મિત્રોને જાણ કરી લૂંટ કરાવ્યાનું ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢના ચિતાખાના ચોક નજીક ગત સાંજે રાજકોટના યુવાનને ગળે છરી રાખી ર૬.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ થઈ હતી. લૂંટનો ભોગ બનનાર યુવકને તેના કાકાના દિકરાના ભાગીદારે આ પૈસા આંગડીયું કરવા આપ્યા હતા. જે વ્યક્તિ તેની સાથે આંગડીયું કરવા ગયો હતો તેણે જ તેના મિત્રોને કહી આ લૂંટ કરાવ્યાનું સામે આવ્યું હતું. એલસીબીએ લૂંટ કરનાર આ ત્રણેય શખ્સોને  વંથલી મેંગો માર્કેટમાંથી પકડી લઈ પૂછપરછ કરતા લૂંટ કરેલી રકમ સુખનાથ ચોક નજીક છુપાવી હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ ર૬.૮૦ લાખ રોકડા, બે વાહન અને મોબાઈલ મળી કુલ ર૭.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટી, શેરી નં-પમાં રહેતો રમજાન હારૂનભાઈ ઉઠમના(ઉ.વ.૩૦) તથા તેના કાકાનો દિકરો બિલાલ દિલાવર ઉઠમના, તેના ભાગીદાર મયુરસિંહ સોલંકી સહિતનાઓ ગઈકાલે સવારે રાજકોટથી કેશોદ ગયા હતા. કેશોદથી તેઓ જૂનાગઢમાં ગાંધીચોક ખાતે આવ્યા હતા ત્યાં બિલાલનો મિત્ર અયાન ઉર્ફે પાચીયો તથા તેના મિત્રો હાજર હતા. મયુરસિંહે આંગડીયું કરવાનું કહેતા અયાન ઉર્ફે પાચીયાએ 'મારી પાછળ કાર ચલાવો' તેમ કહી ચિતાખાના ચોક નજીક લઈ ગયો હતો ત્યાંથી 'કાર હવે આગળ નહી જઈ શકે' તેમ કહ્યું હતું. આથી મયુરસિંહે રમજાન ઉઠમનાને ર૬.૮૦ લાખની રોકડ સાથેનો એક થેલો આપ્યો હતો અને આંગડીયું કરવાનું કહ્યું હતું. બિલાલે અયાન ઉર્ફે પાચીયાને 'તું રમજાનને બેસાડી આંગડીયા પેઢીએ લઈ જા' તેવી વાત કરી હતી. અયાન ઉર્ફે પાચીયો, રમજાન અને જાનીભાઈ પૈસા ભરેલો થેલો લઈ આંગડીયા પેઢીએ જવા નીકળ્યા હતા. અયાન ઉર્ફે પાચીયના બીજા મિત્રો પણ બાઈક લઈ સાથે આવ્યા હતા. આ શખ્સે રમજાનને ત્યાં ઉતાર્યો હતો. બિલાલને ફોન કરી 'આંગડીયાનું શું કરવાનું છે ?' તેમ પુછતા બિલાલે 'હવે આંગડીયું કરવાનું નથી, અયાન ઉર્ફે પાચીયાનો મિત્ર આવે છે તે તને તેડી જશે.' એક અજાણ્યો યુવાન બર્ગમેન લઈ આવ્યો હતો અને રમજાનને તેના પર બેસાડી ગલીઓમાંથી લઈ ગયો હતો. ત્યાં એક નવા બનતા મકાન પાસે આ શખ્સે બર્ગમેન ઉભું રાખી 'હું વોશરૂમ જઈ આવું' તેમ કહી ફોન પર વાત કરી હતી.  ત્યાં જતા અયાન ઉર્ફે પાચીયો પણ હાજર હતો. નવા બનતા મકાન પાસે કેમેરા તપાસતા તેમાં રમીજખાન ઉર્ફે ભાવનગરી તથા સાહિલ દલ જોવા મળ્યા હતા. અયાન ઉર્ફે પાચીયો આ લોકોને તેના ઘર પાસે લઈ ગયો હતો અને તેણે આ લૂંટ કરવા વાળા ભાવનગરી અને સાહિલ નથી કોઈ બીજા હશે તેવી વાત કરી હતી. બાદમાં રમજાન ઉઠમના પોલીસને જાણ કરી હતી. તેના કાકાનો દિકરો બિલાલ, મયુરસિંહ સહિતનાઓ એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

એલસીબીએ બાતમીના આધારે વંથલી મેંગો માર્કેટ ખાતેથી સાહિલ ઉર્ફે સોયલો આમદ કાસમ દલ અને રમીજખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણને પકડી લીધા હતા. આ બંને તેમજ અયાન ઉર્ફે પાચીયો અમીન મુળીયાને એલસીબી કચેરીએ લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરતા ત્રણેય પોપટ બન્યા હતા અને લૂંટ કર્યાની કબુલાત આપી હતી. રોકડ રકમ સુખનાથ ચોકમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ પાસે છુપાવ્યાનું જણાવતા એલસીબીએ ત્યાંથી આ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત લૂંટમાં ઉપયોગ કરેલું બર્ગમેન તથા ત્રણ મોબાઈલ મળી કુલ ર૭.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આંગડીયા પેઢી બતાવી તેણે જ લૂંટ કરાવી

ચિતાખાના ચોક નજીક અયાન ઉર્ફે પાચીયાએ રમજાન અને તેના કાકા દિકરાને આંગડીયા પેઢી બતાવી પોતાની પાછળ કાર ચલાવો તેમ કહ્યું હતું. ત્યારબાદ તેના કહેવાથી તેના મિત્રએ રમજાનના ગળા પર છરી રાખી ર૬.૮૦ લાખ સાથેનો થેલો મુકી દેવા કહ્યું હતું. રમજાને 'તું અયાનનો મિત્ર થઈને આવું કરીશ' તેમ કહેતા આ શખ્સે 'અયાન ઉર્ફે પાચીયાએ જ અમને તારી પાસેથી થેલો લઈ લેવા મોકલ્યા છે' તેમ કહી થેલો લૂંટી લઈ અન્ય એક શખ્સ સાથે બર્ગમેન પર નાસી ગયો હતો. રમજાનને ગળાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. બાદમાં  રમજાને ફોન કરી તેના કાકાના દિકરાને વાત કરી હતી.

26.80 લાખની રકમના આંગડીયા અંગે અનેક સવાલો

કેશોદથી પરત આવી જૂનાગઢ ર૬.૮૦ લાખ જેટલી માતબર રકમનું આંગડીયું કરવા રમજાનને મોકલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આંગડીયું કરવાનું કેન્સલ કરવામાં આવ્યું હતું. આ આંગડીયું કોને કરવાનું હતું, આટલી રકમ શા માટે આપવાની હતી એ સહિતના અનેક સવાલો ઉઠયા છે. હાલ પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રણેય શખ્સ સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના

લૂંટમાં સામેલ સાહિલ ઉર્ફે આબીદ આમદ દલ સામે છ, અયાન ઉર્ફે પાચીયો અમીન મુળીયા સામે ચાર અને રમીજખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન તુર્ક સામે મારામારી, જુગાર, આર્મ્સ એક્ટ, અપહરણ સહિતના ગુના નોંધાયેલા છે.


Google NewsGoogle News