જૈન ધર્મના 24 તીર્થકરે લોકોને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો : રાજ્યપાલ
- સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો
- પાલિતાણામાં ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવના સમા૫નમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા, ખરતરગચ્છ પ્રવર્તક આચાર્ય જિનેશ્વરસૂરિજીના સન્માનમાં રૂા. 1000 ના ચાંદીના સિક્કા, ટપાલ ટિકિટનું અનાવરણ
પાલિતાણા : જૈન શાશ્વત તીર્થકર પાલિતાણામાં પ.પૂ. આચાર્ય જિનપિયૂષસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રા ખતરગચ્છ સમાજના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાતુર્માસ, ઉપધાન, ૯૯ યાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાલિતાણામાં ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ અને દેશભરમાંથી લોકો સહભાગી થવા ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો જ ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. આજના ભૌતિકવાદી યુગમાં જો કોઈ ધર્મ કે સંપ્રદાયે તેના મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખ્યા હોય તો આ સિદ્ધાંતો ક્યારેય જૂના નહિ થાય અને સદૈવ પ્રસ્તુત રહેશે.
જૈન ધર્મનાં ૨૪ તીર્થકરોએ ભારતીય સમાજની ગરિમા અને ગૌરવ વધારી લોકોને જીવન જીવવાનો માર્ગ દેખાડયો છે, અને તેમના જીવન પ્રશસ્ત બનાવ્યા છે. મહાવીર સ્વામીએ આપેલા સિદ્ધાંતો અને દર્શને લોકોના જીવન સરળ બનાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત આપણાં દેશની કલા, સંસ્કૃતિ, વાસ્તુ અને સાહિત્યને સમયાંતરે નવજીવન આપવાનું કામ આપણાં આચાર્યોએ કર્યું છે.
વધુમાં ખરતરગચ્છ પ્રવર્તક આચાર્ય જિનેશ્વરસૂરિજીના સન્માનમાં રૂા.૧૦૦૦ના ચાંદીના સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય ભગવંત જિનપિયૂષસાગરસૂરિશ્વરજી, સમ્યકરત્નસાગરજી, પાલિતાણાના ધારાસભ્ય, પોસ્ટમાસ્ટર જનરલ, ડીડીઓ, એસ.પી., પાલિતાણા પ્રાંત અધિકારી સહિત્ના મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી એટલે એક હજાર વર્ષની ઉજવણી
ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી એટલે એક હજાર વર્ષની ઉજવણી. આજથી ૧૦૦૦ વર્ષ પહેલા રાજા દુર્લભના દરબારમાં આચાર્ય જિનેશ્વરસૂરિજીએ શાાર્થમાં વિજય પ્રાપ્ત કરી સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હતા. જેને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર આ ઉજવણી થઇ રહી છે, તે બદલ તમામ આયોજકો અને મહેમાનોને રાજ્યપાલે સાધુવાદ વ્યક્ત કર્યો હતો.