ભાવનગર શહેર-જિલ્લામાં 21,506 નવા મતદાર નોંધાયા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ભાવનગર શહેર-જિલ્લામાં 21,506 નવા મતદાર નોંધાયા 1 - image


- મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 55,136 અરજી આવી 

- 18-19 વર્ષના 8,360 અને 20 થી 29 વર્ષના 6,902 મતદારે નામ નોંધાવ્યા , 1149 મતદારે ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યુ 

ભાવનગર : લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ ર૧,પ૦૬ નવા મતદારે નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમમાં કુલ પપ,૧૩૬ મતદારની અરજી આવી છે. આ કાર્યક્રમ થોડા દિવસ પૂર્વે જ પૂર્ણ થયો છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં મતદારયાદીમાં પોતાનું નામ ચકાસવુ, મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા વગેરે કામગીરી કરવામાં આવી હતી. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ગત તા. પ નવેમ્બર-ર૦ર૩ના રોજ શરૂ થયો હતો અને ગત તા. ૯ ડિસેમ્બરને શનિવારે કાર્યક્રમ પૂર્ણ થયો છે, જેમાં કુલ પપ,૧૩૬ મતદારે અરજી કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવતુ હોય છે, જેમાં ૧૩,૦૯૧ અરજી આવી હતી. આ કાર્યક્રમમાં ફોર્મ નં. ૬ એટલે કે નવા મતદારો ર૧,પ૦૬એ નામ નોંધાવ્યા હતા, જેમાં ૧૮-૧૯ વયજુથના ૮,૩૬૦ અને ર૦થી ર૯ વયજુથમાં ૬,૯૦ર નવા યુવા મતદારોએ નામ નોંધાવ્યા હતાં. 

ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા ફોર્મ નં. ૬ (ખ) ૧,૧૪૯ મતદારે ભર્યુ હતું. મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નં. ૭ કુલ ૧૦,૩૯૦ મતદારે ફોર્મ ભર્યા હતા, મતદારયાદીમાં નામ-સરનામાના સુધારા કરાવવા ફોર્મ નં. ૮ કુલ રર,૦૯૧ મતદારે ફોર્મ ભર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનુ ફાઈનલ લીસ્ટ હજુ તૈયાર થઈ રહ્યુ છે તેથી હજુ અરજીમાં થોડો વધારો થવાની શકયતા છે તેમ ચૂંટણી વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

7 વિધાનસભા બેઠક પર નોંધાયેલા નવા મતદારની આંકડાકીય માહિતી 

બેઠક અરજીની સંખ્યા

મહુવા

ર૮૬૬

તળાજા

ર૬૬૯

ગારિયાધાર

૩ર૦૭

પાલિતાણા

૩૧૯૩

ભાવનગર રૂરલ

૩૭૯ર

ભાવનગર ઇસ્ટ

ર૬૪૦

ભાવનગર વેસ્ટ

૩૧૩૯

કુલ

ર૧,પ૦૬  

ભાવનગર રૂરલમાં સૌથી વધુ અને ઇસ્ટમાં સૌથી ઓછા નવા મતદાર નોંધાયા 

ભાવનગર શહેર અને જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ર૧,પ૦૬ નવા મતદાર નોંધાયા છે. ૭ બેઠકની સરખામણીએ ભાવનગર રૂરલ બેઠક પર સૌથી વધુ ૩૭૯ર નવા મતદાર નોંધાયા છે, જયારે ભાવનગર ઇસ્ટ પર સૌથી ઓછા ર૬૪૦ નવા મતદાર નોંધાયા છે. 

નવા મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે 

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી એપ્રિલ-મે માસમાં યોજાવાની શકયતા છે. આ ચૂંટણી પૂર્વે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં નોંધાયેલા નવા મતદારો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. લોકસભાની ચૂંટણી પૂર્વે હજુ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આવશે તેથી નવા મતદારો ત્યારે નામ નોંધાવી શકશે તેમ જાણવા મળેલ છે.    


Google NewsGoogle News