Get The App

પૈસાની લેતી દેતી મામલે યુવાનને લોખંડના પાઈપ ઝીંકી મોતને ઘાટ ઉતારનાર 2 શખ્સ ઝડપાયા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
પૈસાની લેતી દેતી મામલે યુવાનને લોખંડના પાઈપ ઝીંકી મોતને ઘાટ ઉતારનાર 2 શખ્સ ઝડપાયા 1 - image


- શીરવાણીયા ગામે રાત્રિના સમયે થઈ મારા મારી

- યુવાન મોટરસાયકલ લઈ ઘર તરફ જતો હતો ત્યારે પિતા પુત્રએ આતરી માર માર્યો

ભાવનગર : બોટાદના શીરવાણીયા ગામે રહેતા યુવાન એ કૌટુંબીક ભાઈઓ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા દરમિયાનમાં પૈસાની વ્યવસ્થા નહીં થતાં યુવાન રૂપિયા આપી શક્યો ન હતો. પરંતુ પિતા પુત્ર યુવાન પાસે આપેલા રૂપિયાની ઉઘરાણી અવારનવાર કરતા હતા. આ સમગ્ર ઘટનાથી દાઝે ભરાયેલા પિતા પુત્ર એ ઘર તરફ જઈ રહેલા યુવાનને આંતરી રસ્તામાં જ માથાના ભાગે લોખંડના પાઈપ ઝીંકી દેતા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે યુવાનની હત્યા કરનાર બન્ને શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના શીરવાણીયા ગામે રહેતા કાળુભાઈ લખમણભાઇ વિરજાએ પાળીયાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,કાળુભાઈનાં નાનો ભાઈ અલ્પેશભાઇ લખમણભાઇ વીરજા, (ઉ.વ.૩૭) એ  કૌટુંબીક જયદીપભાઇ ઉર્ફે જયસુખભાઇ બાબુભાઇ વીરજા પાસેથી એકાદ વર્ષ પહેલા છ હજાર રૂપીયા લીધેલ હોય જે જયદીપને પાછા લેવાના હોય જેની અવાર-નવાર તે અલ્પેશભાઇ પાસે ઉઘરાણી કરતો હોય જે અલ્પેશ તેની પાસે હાલ પૈસાની સગવડ ન હોય જેથી આપેલ ન હોય તેમજ જયદીપની બેનના આ મહીનામાં લગ્ન હોય જેની કંકોત્રી લખવા અલ્પેશને તેમના ઘરે બોલાવેલ ન હોય જેથી અલ્પેશભાઇ તથા બાબુભાઇ તથા તેમના દિકરા જયદીપને આ બાબતે માથાકુટ ચાલતી હોય જેની દાઝ રાખી  અલ્પેશભાઇ ગઇ કાલ રાત્રીના પોણા નવેક વાગ્યે તેમની વાડીએથી તેમનુ મોટર સાયકલ લઇને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં બાબુભાઇની અક્ષર ઓઇલમીલ આવતી હોય ત્યાં પહોંચતા બાબુભાઇએ અલ્પેશને ઉભો રાખી પિતા પુત્રએ ઝઘડો કરી જયદીપે અલ્પેશને પકડી રાખી તથા બાબુએ લોખંડની પાઇપનો ઘા અલ્પેશભાઇના માથામાં ઝીંકી દેતા યુવાન લોહી લુહાણ હાલમાં સ્થળ પરજ ઢળી પડયો હતો.અને ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચતા એમ્બ્યુલન્સનાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના ભાઈએ પાળીયાદ પોલીસ મથકમા પિતા પુત્ર વિરુદ્ધ ઈ પી કો ૩૦૨,૧૧૪,૧૩૫ મુજબ ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે બાબુ અને જયદિપને પકડી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News