પાટણા નજીક બોલેરો પલટી જતાં 2 ના મોત
- સુંદરણિયાણાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે જતાં કોળિયાક આવી રહ્યો હતો
- 4 જેટલી 108 એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો દોડી ગયો, 24 જેટલા ઈજાગ્રસ્તોને વલ્લભીપુર, બરવાળા અને ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડાયા
કરૂણ ઘટના અંગે મળતી સઘળી હકીકત અનુસાર રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે રહેતા ભીખાભાઈ નાનજીભાઈ વાળાનું ગત તા.૫-૫ના રોજ મૃત્યુ થતા તેઓની તમામ અંતિમવિધિ પૂર્ણ કરી પરિવારજનોએ ભાવનગરના કોળિયાક ગામે આવેલ નિષ્કલંક મહાદેવના દરિયામાં મૃતક ભીખાભાઈ વાળાના ફૂલ (અસ્થિ) પધરાવવાનું નક્કી કરી આજે તા.૩-૬ને શનિવારે સવારે ૬-૩૦ કલાકે બોલેરો પીકઅપ વાહન નં.જીજે.૧૩.એડબ્લ્યુ.૩૦૨૪ને ભાડે બાંધી આશરે ૨૫ જેટલા કુટુંબી-પરિવારજનો ફૂલ (અસ્થિ) લઈ કોળિયાક આવવા રવાના થયા હતા. દરમિયાનમાં સવારે ૭-૩૦ કલાકના અરસામાં વલ્લભીપુરના પાટણા ગામ નજીક પહોંચતા બોલેરોનો ચાલક રાજેશ હેમુભાઈ સોલંકી (રહે, જાંબાળા, તા.ચુડા, જિ.સુરેન્દ્રનગર)એ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બોલેરો રોડ ઉપર પલટી મારી ગઈ હતી.
વહેલી સવારે બનેલી કરૂણ ઘટનાની જાણ થતાં ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો દોડી ગયો હતો અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી વલ્લભીપુર, બરવાળા સરકારી દવાખાના અને ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડયાં હતા. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા અજયભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.આ.૧૭) અને મોહનભાઈ બીજલભાઈ વાળા (ઉ.વ.આ.૫૦)ને વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રવીણભાઈ ચતુરભાઈ પરમાર, પ્રવીણભાઈના પત્ની, બે પુત્રો વિશ્વાસ અને શુભમ, સાળા હેમુભાઈ, હેમુભાઈના કુટુંબીજનો રાજેશભાઈ સોમાભાઈ વાળા, જાદવભાઈ ગાંડાભાઈ વાળા, ભનાભાઈ કાળુભાઈ વાળા અને બોલેરોચાલક રાજેશ હેમુભાઈ સોલંકી સહિત ૨૪ જેટલા લોકોને નાની-મોટી ગંભીર ઈજા પહોંચી હતી. પાટણા નજીક સર્જાયેલા દુર્ઘટનાને લઈ હતભાગી પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
બનાવ સંદર્ભે પ્રવીણભાઈ ચતુરભાઈ પરમાર (ઉ.વ.૪૦, રહે, સિધ્ધનાથ સોસાયટીની બાજુમાં, રામદેનગર, ટીંબી હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર)એ બોલેરોના ચાલક રાજેશ હેમુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા વલ્લભીપુર પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮ અને એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ડ્રાઈવર સામે સસરાના ફૂલ પધરાવવા માટે ફરિયાદી પ્રવીણભાઈ પરમાર તેમના પરિવાર સાથે ગઈકાલે સુંદરિયાણા ગામે આવ્યા હતા.