નારી ચકડી પાસેથી ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલ ટેન્કર સાથે 2 ઝડપાયા
- સોમનાથ જતું ટેન્કર પોલીસે પકડી પાડયું
- વરતેજ પોલીસે 878 પેટી વિદેશી દારૂ, 78 પેટી બિયર તેમજ ટેન્કર મળી રૂ. 45.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વરતેજ પોલીસ મથકનો સ્ટાફ નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરેલું ટેન્કર ધોલેરા રોડથી ભાવનગર તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે વરતેજ ગામના સરકારી દવાખાના પાસે વોચમાં રહીને રોડ પર પસાર થઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના સફેદ બોડીના ટેન્કર નં. જી.જે.૦૬ - એ.ઝેડ.- ૯૨૨૩ ને અટકાવીને ટેન્કરની તલાશી લેતા ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂની ૮૭૮ પેટી બોટલ નંગ-૧૦૫૩૬ તથા બિયરની ૭૮ પેટી ,ટીન નંગ ૧૮૭૨, મળી આવતા વરતેજ પોલીસે ટેન્કરના ચાલક દિનેશકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈ ( રહે. સુદાબેરી, તા.ગુડામાલાની, જિ. બાડમેર, રાજસ્થાન ) તથા કલીનર રમેશકુમાર મંગલારામ બીશ્નોઈ ( રહે. સોમારડી, થાના છેડવા, જિ. બાડમેર, રાજસ્થાન ) ની ધરપકડ કરી ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, ૦૨ મોબાઈલ,રોકડા તેમજ ટેન્કર મળી કુલ રૂ. ૪૫,૩૬,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વરતેજ પોલીસે દારૂની હેરાફેરીમાં સામેલ પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સોમનાથ ખાતે દારૂ અને બિયર નો જથ્થો ઠલવવાનો હતો
વરતેજ પોલીસે દારૂના ટેન્કર સાથે પકડયાયેલા શખ્સોની પૂછપરછમાં જગદીશ બિશ્નોઇ ઉર્ફે જેડી ( રહે. સાંચોર રાજસ્થાન ) ના કહેવાથી હરિયાણાના અંબાલામાંથી એક અજાણ્યા શખ્સે દારૂ અને બિયરનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો ગુજરાતના સોમનાથ ખાતે લઈ જવાનો હોવાનું ઝડપાયેલા બંને શખ્સએ પોલીસને જણાવ્યું હતું. વરતેજ પોલીસે ઝડપાયેલા શખ્સોની કડક હાથે પૂછપરછ હાથ ધરી છે.