માળિયા પંથકમાં પરીણિતાની હત્યા કેસમાં 2 આરોપીઓને 7 વર્ષની કેદ
કોર્ટમાં મૌખિક 24 દસ્તાવેજી પુરાવા રજૂ થયા
આરોપીઓએ ખાખરેચી ગામે પતિને પકડી રાખી પરીણિતાને કોશના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી
મોરબી: માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં પરિણીતાની હત્યા કરવામાં આવી હતી. આડા સંબંધ રાખનાર ઇસમ સાથે જવા પરિણીતાએ ઇન્કાર કરતા બે ઇસમોએ માથાના ભાગે લોખંડના કોશના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. જે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી બંને ઇસમોને સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૪-૦૮-૨૦૨૧ના રોજ ફરિયાદી રણજીતભાઈ બામેટીયાભાઈ વસાવાએ આરોપી ભૂપત સવાભાઇ વડેચા અને બીજલભાઈ સવાભાઇ વડેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી ભૂપત સાથે ફરિયાદીના પત્ની શારદાબેનને આડા સંબંધ હોય અને આરોપી બીજલ તેને સમર્થન આપતો હતો. પરિણીતા પોતાના પતિ સાથે ખાખરેચી ગામે આવી હતી. જ્યાં આરોપીએ આવીને સાથે આવવાનું કહેતા શારદાબેને ઇનકાર કર્યો હતો. જેથી બંને ઇસમોએ કોશ જેવા લોખંડના વજનદાર ભારે હથિયારથી માર મારતા ફરિયાદી બચાવવા જાતે તેને પકડી રાખી રોક્યા હતા અને અંને ઇસમોએ માર મારતા ફરિયાદીના પત્ની શારદાબેનનું મોત થયું હતું.
જે બનાવને પગલે માળિયા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લીધા હતા અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસ સ્પેશ્યલ જજ એટ્રોસિટી અને બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ મોરબી સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં ૧૨ મૌખિક પુરાવા અને ૪૪ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને કસુરવાન ઠેરવ્યા હતા. જેમાં કોર્ટે ભૂપત સવાભાઇ વડેચા (ઉ.વ.૨૫) અને બીજલ સવાભાઇ વડેચા (ઉ.વ. ૨૨) રહે. જીન્જુવાડા તા. પાટડી વાળાને ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦ હજાર દંડ તેમજ દંડની રકમના ભરે તો વધુ એક વખતની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ મૃતક શારદાબેનના વારસદારોને મળવા પાત્ર વળતર ચુકવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.