ભાવનગર શહેર-જિલ્લામાં 2.70 લાખ બાળકોને પોલીયો વિરોધી રસી અપાઈ
- શહેર અને જિલ્લામાં 3.04 લાખ બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવાનો ટારગેટ
- શહેરમાં 90.88 ટકા અને જિલ્લામાં 87 ટકા કામગીરી પૂર્ણ, હજુ 2-3 દિવસ પોલીયો વિરોધી રસી પીવડાવવાની કામગીરી ચાલશે
ભાવનગર શહેર અને જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે રવિવારે ઠેર ઠેર બુથ ઉભા કરવામાં આવ્યા હતા અને બાળકોને રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતાં. શહેર અને જિલ્લામાં ૩,૦૪,૮પ૧ બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવાનો ટારગેટ છે, જેમાં આજે રવિવારે ર,૭૦,૮૪૧ લાખ બાળકોને પોલીયો વિરોધી રસી અપાઈ હતી. શહેરમાં ૯૦.૮૮ ટકા અને જિલ્લામાં ૮૭ ટકા કામગીરી પૂર્ણ થઈ હતી. બાળકને પોલીયો વિરોધી રસીનાં આ વધારાનાં બે ટીપા પીવરાવીને પોતાના બાળકને અપંગ થતા બચાવી શકાય છે. શહેરમાં આજે રવિવારે સવારનાં ૦૮ કલાકથી સાંજનાં પ વાગ્યા સુધીમાં રસીકરણ કેન્દ્ર બુથ જેવા કે આંગણવાડી કેન્દ્ર, હેલ્થ સેન્ટર, સર ટી. હોસ્પિટલ, આનંદવાટીકા હોસ્પિટલ, રેડક્રોસ દવાખાના, અપંગ પરીવાર કેન્દ્ર, રોટરી હોલ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, રામમંત્ર મંદિર હોસ્પિટલ, શાંતિલાલ શાહ હોસ્પિટલ, પીએનઆર ઇમ્યુનાઈઝેશન વિભાગ, વેસ્ટર્ન રેલ્વે હોસ્પિટલ, વિટકોસ સીટી બસ સ્ટેશન, બાળકોનાં ડોકટરો તથા ટાઉન હોલ, આઈસીડીએસ ઓફીસ વગેરે સ્થળે આયોજન કરવામાં આવ્યુ હતું.
મહાપાલિકા દ્વારા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ નાં રોજ હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવશે. ભાવનગર શહેરમાં ૧ થી ૧૩ વોર્ડમાં કુલ બુથ ૪૬૬, કુલ બુથનાં સભ્યો ૧૭૬૪, બુથ સુપરવાઈઝર ૧૨૭, કુલ હાઉસ ટુ હાઉસ ટીમ ૪૬૦, હાઉસ ટુ હાઉસ ટીમનાં સભ્યો કુલ ૯૨૦, સુપરવાઈઝર ૧૦૦, મોબાઈલ ટીમ ૫૦, મોબાઈલ ટીમનાં સભ્યો ૧૦૦, સુપરવાઈઝર ૨૮, ટ્રાન્ઝીટ ટીમ કુલ ૩૭ તથા તેનાં સભ્યો ૧૪૮ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલ ૧૪ નોડલ ઓફીસરને કામગીરી સોંપવામાં આવેલ છે. પોલીયો કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૫ વર્ષનાં ભાવનગર કોર્પોરેશન વિસ્તારનાં અંદાજીત ૧,૨૯,૪૩૮ બાળકોને પોલીયો વિરોધી રસીનાં બે ટીપા પીવડાવવામાં આવશે. જિલ્લામાં પણ આગામી બે દિવસ હજુ પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવાની કામગીરી શરૂ રહેશે તેમ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે.