Get The App

સેન્ટ્રલ જીએસટીના અધિકારીનાં બંધ મકાનમાંથી ૨.૪૮ લાખની મત્તાની ચોરી

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ જીએસટીના અધિકારીનાં બંધ મકાનમાંથી ૨.૪૮ લાખની મત્તાની ચોરી 1 - image


એરપોર્ટ રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા

તસ્કરો ઘરમાં લાગેલા કેમેરાનું ડીવીઆર અને રાઉટર પણ ચોરી ગયાસીસીટીવી કેમેરાના આધારે પોલીસની તપાસ

રાજકોટ :  એરપોર્ટ મેઇન રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા અને રેસકોર્સ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નોકરી કરતા શિવદાસ પિતાંબરભાઈ મેનન (ઉ.વ.૫૮)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૃા. ૨.૪૮ લાખની મત્તા ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.

ફરિયાદમાં શિવદાસભાઈએ જણાવ્યું છે કે તેના બંને પુત્રો ભારત બહાર અભ્યાસ કરે છે. ગઇ તા. ૧૧ના રોજ સવારે છએક વાગ્યે પત્ની, સાઢુભાઈ, તેના પત્ની અને માસીજી વગેરે સહિતના પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ ખાતે દર્શન કરવા ગયા હતા. ગઇકાલે સાંજે સોમનાથથી પરત ઘરે આવીને જોયું તો દરવાજાના તાળા, નકૂચો તૂટેલા હતા.  સેન્ટ્રલ લોક ખૂલ્લો હતો.

અંદર જોતા તમામ સામાન વેરવિખેર પડયો હતો. ઉપરના માળે પણ તમામ સામાન વેરવિખેર પડયો હતો. નીચેના માળે આવેલા રૃમના બે કબાટ અને ઉપરના માળે આવેલા ત્રણ રૃમના પાંચ કબાટ ખુલ્લા હતા. તમામના લોક પણ તૂટેલા હતા. તપાસ કરતાં સોનાની બે બંગડી, સોનાની કાનમાં પહેરવાની ત્રણ જોડી ઝૂમકી, બે સોનાના ચેન, બે સોનાના હાર, એક મોતીનો હાર, મંદિરમાં રહેલ ચાંદીનો ઢોળ ચડાવેલી ભગવાનની નાની આઠથી દસ મૂર્તિ, ભગવાનની છાપવાળા ચાંદીના ચારથી પાંચ સિક્કા, બે ઘડિયાળ, કેમેરાનું ડીવીઆર, રાઉટર, રોકડા રૃા. ૪૦ હજાર ગાયબ હતા.

તસ્કરો મકાનના આગળના દરવાજાનો નકૂચો તોડી, સેન્ટ્રલ લોક ખોલી, અંદર પ્રવેશી ઉપર અને નીચેના માળેથી ચોરી કરી ગયા હતા. તસ્કરો રૃા. ૨.૦૮ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા, રૃા. ૪૦ હજારની રોકડ મળી કુલ રૃા. ૨.૪૮ લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે. જેમાં ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એલસીબીના સ્ટાફે પણ ઝૂકાવ્યું છે. 


Google NewsGoogle News