સૌરાષ્ટ્રના 16 રોકાણકારો સાથે 2.23 કરોડનું કૌભાંડ, આરોપી ફરાર

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રના 16 રોકાણકારો સાથે 2.23 કરોડનું કૌભાંડ, આરોપી ફરાર 1 - image


આઇપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી 

આર્થિક કૌભાંડોના હબ બની ગયેલા રાજકોટમાં વધુ એક ઠગાઇનું કારસ્તાન, ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: આર્થિક કૌભાંડોના હબ બની ગયેલા રાજકોટમાં રૂા. ૨.૨૩ કરોડનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. સત્ય સાંઇ હોસ્પિટલ પાસેના આસોપાલવ સ્પ્રિગ્સ કોપર એપાર્ટમેન્ટમાં રહેતા અને શેરબજારની ઓફિસમાં નોકરી કરતાં પ્રકાશ રતનશી ચુડાસમાએ આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૫ રોકાણકારો સાથે ૨.૨૩ કરોડની ઠગાઇ કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

આરોપી ભાગી જતાં રોકાણકારો કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. આરોપી હાલ ક્યા છે તે વિશે પોલીસને કોઇ માહિતી મળી નથી. ફરિયાદીએ રૂા. ૫૨.૫૦ લાખ ગુમાવ્યા છે. જ્યારે બાકીના રોકાણકારો ફરિયાદીના પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો વગેરે છે. 

આત્મિય કોલેજ સામે રામપાર્કમાં આવેલા યોગીઆશિષ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞોશભાઈ રમેશભાઈ વ્યાસ (ઉ.વ.૫૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે સાળા રશ્મિન સાથે ઇમીટેશનનો વેપાર કરે છે. સંતાનમાં એક પુત્ર હર્ષ છે. જે હાલ ફિલીપાઇન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. આરોપી પુષ્કરધામ મેઇન રોડ પર પટેલ વેલ્થ નામની ઓફિસમાં કોમ્પલાઇન્સ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. જેથી આરોપીને પાંચેક વર્ષથી ઓળખે છે. 

એક વખત આરોપી સાથે મુલાકાત થતાં કહ્યું કે તમે આઈપીઓમાં રોકાણ કરો તો તમને ઊંચુ વળતર મળશે. જેથી તેણે ૨૦૨૧માં શરૂઆતમાં રૂા. ૧૦ લાખ ચેક મારફત આરોપીને આપ્યા હતા. જેના બદલામાં આરોપીએ પોતાના નામનો ચેક આપી લખાણ પણ કરી આપ્યું હતું.  ત્યારપછી કટકે-કટકે આરોપીને રૂા. ૫૨.૫૦ લાખ આપ્યા હતા. જેના બદલામા આરોપીએ પોતાના ચેક આપ્યા હતા. 

આ જ રીતે તેના સગા ભાઈ ભાવિનભાઈ (રહે. ગોંડલ)એ રૂા. ૧.૫૦ લાખ, બીજા ભાઇ સમીરે પણ રૂા. ૧.૫૦ લાખ, ત્રીજા ભાઈ હિરેને રૂા. ૩ લાખ આરોપીને આપ્યા હતા. આ ઉપરાંત તેના સંબંધી પાર્થભાઈ પ્રવિણભાઈ પંડયા (રહે. જૂનાગઢ)એ રૂા. ૧.૫૦ લાખ, મિત્ર ઋષિત દિપકભાઈ ત્રિવેદી (રહે. રાજકોટ)એ કટકે-કટકે રૂા. ૧૪.૧૦ લાખ તથા બેન્ક મારફત ૧૭ લાખ મળી કુલ રૂા. ૩૧.૧૦ લાખ, પરિચિત કાનાભાઈ નાથાભાઇ મહીડા (રહે. હરીપર-પાળ)એ રૂા. ૩.૫૦ લાખ, વિપુલ હસમુખરાય દવે (રાજકોટ)એ રૂા. ૨૪.૧૦ લાખ, હર્ષદભાઈ સોમજીભાઈ વાળા (રહે. રાજકોટ)એ રૂા. ૨૨ લાખ, તેના પરિચિત નિલેશભાઈ ધીરજલાલ બગથરીયા,  ઉદયભાઈ પરેશભાઈ મકવાણા, હેમલભાઈ મુકેશભાઈ ભાલોડી, નીલેશભાઈ હીરાભાઈ પરમાર, કિશોરભાઈ લાંબરિયા અને વિજયભાઈ લાંબરિયા સહિતના છ જણાએ મળી કુલ રૂા. ૮૩ લાખ આપ્યા હતાં. 

તેનાં સહિત તમામ રોકાણકારોને આરોપીએ આજ સુધી કોઇ વળતર આપ્યું નથી. એટલું જ નહીં આરોપીએ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. આરોપી હાલ ક્યા છે તે વિશે કોઇ માહિતી નથી. આરોપીની ઘણી શોધખોળ કરી હતી પરંતુ પત્તો નહીં મળતાં આખરે તેના વિરૂધ્ધ પોલીસને અરજી આપી હતી. જેના આધારે ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસે ફરિયાદ નોંધી હતી. 

ઉલ્લેખનીય છે કે, ઊંચા વળતરની લાલચમાં આ અગાઉ પણ અનેક રોકાણકારોને લાખો-કરોડોના શીશામાં ઉતારવાના બનાવ બની ચૂક્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં કૌભાંડકારો ઊંચા વળતરની લાલચ આપતા હોવાથી રોકાણકારો આસાનીથી કોઇપણ જાતની તપાસ કર્યા વગર કૌભાંડકારોની જાળમાં ફસાઇ જતાં હોય છે. આ કિસ્સામાં પણ તેનું પુનરાવર્તન થયું છે. 



Google NewsGoogle News