Get The App

મહુવામાં એક દસકમાં આ વર્ષે સૌથી વધુ 193.77 ટકા મેઘમહેર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
મહુવામાં એક દસકમાં આ વર્ષે સૌથી વધુ 193.77 ટકા મેઘમહેર 1 - image


- વર્ષ 2015થી 2024ના તમામ વર્ષમાં ચોમાસાની સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો

- છેલ્લા બે વર્ષથી મહુવા ઉપર મેઘો ઓળઘોળ હોય તેમ 1000થી વધુ મિ.મી. મેઘકૃપા, 2015માં 600 મિ.મી.થી ઓછો છતાં 100 ટકાથી વધુ વરસાદ થયો હતો

ભાવનગર : મહુવા ઉપર છેલ્લા એક દાયકાથી મેઘરાજા ઓળઘોળ હોય તેમ એક પણ ચોમાસુ નબળું ગયું નથી. પાછલા ૧૦ વર્ષમાં એકેય વર્ષ એવું નથી કે, મહુવામાં ચોમાસાની સિઝનનો ૧૦૦ ટકાથી ઓછો વરસાદ થયો હોય. તેમાં પણ આ વર્ષે તો મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેમ એક દાયકાનો સૌથી વધુ ૧૯૩.૭૭ ટકા મેઘમહેર થઈ હતી. જે બે ચોમાસાના વરસાદ બરોબર છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે પણ સૌથી વધુ વરસાદમાં મહુવા તાલુકો અગ્રીમ સ્થાને રહ્યો છે. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા પંથક ઉપર આ વર્ષે પાછલા એક દસકનો રેકડોબ્રેક ૧૩૦૬ મિ.મી. (૧૯૩.૭૭ ટકા) વરસાદ થયો છે. પાછલા બે વર્ષના ચોમાસા ઉપર નજર કરીએ તો ગત વર્ષે પણ નૈઋત્ય ચોમાસાની સિઝન દરમિયાન ૧૧૧૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો છેલ્લા છ વર્ષમાં ૮૦૦ મિ.મી.થી વધુ જ પાણી વરસ્યું છે. જે દર્શાવે છે કે, મહુવા ઉપર વરસાદની પેટર્ન બદલાય છે. જ્યારે વર્ષ ૨૦૧૫માં ૬૦૦ મિ.મી.થી ઓછો છતાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો હતો. તો વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ના તમામ વર્ષમાં ચોમાસાની સિઝનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે તો ચોમાસાના આરંભથી લઈ આસો માસમાં અંતિમ પડાવ સુધી મહુવા ઉપર શ્રીકાર વર્ષા વરસી હતી. જેના કારણે તા.૧૭-૧૦ને ગુરૂવારે સવારે ૬ કલાકની સ્થિતિએ ૧૩૦૬ મિ.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે. જે બે તાલુકા જેસર (૫૬૦ મિ.મી.) અને ઉમરાળા (૭૩૮ મિ.મી.)માં વરસેલા વરસાદથી પણ વધુ છે.

મહુવામાં પાછલા 10 ચોમાસામાં વરસેલો વરસાદ

વર્ષ

વરસાદ

ટકા

૨૦૧૫

૫૯૨

૧૦૦.૫૨

૨૦૧૬

૭૭૮

૧૩૧.૮૩

૨૦૧૭

૭૫૦

૧૨૩.૮૧

૨૦૧૮

૭૪૫

૧૧૯.૯૨

૨૦૧૯

૮૭૩

૧૪૪.૪૮

૨૦૨૦

૮૯૬

૧૪૫.૬૮

૨૦૨૧

૮૩૦

૧૩૧.૮૦

૨૦૨૨

૮૮૦

૧૩૫.૯૧

૨૦૨૩

૧૧૧૩

૧૬૮.૭૧

૨૦૨૪

૧૩૦૬

૧૯૩.૭૭


Google NewsGoogle News