બોટાદ તા.પં.ના તત્કાલિન નાયબ હિસાબનીશે 19.92 લાખની ઉચાપત કરી

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
બોટાદ તા.પં.ના તત્કાલિન નાયબ હિસાબનીશે 19.92 લાખની ઉચાપત કરી 1 - image


- અધિકારીને ખાતાકીય તપાસ બાદ ફરજ મોકૂફ કરાયો

- ઘણાં ચેકના ચુકવણાં થઈ ગયા હોવા છતાં રદ બતાવી ઉપરી અધિકારીની સહીઓ કરાવી લાખો રૂપિયા ચાઉં કર્યા

ભાવનગર : બોટાદના તાલુકા પંચાયતના તત્કાલિન કપટી નાયબ હિસાબનીશે રૂપિયા ૧૯.૯૨ લાખની ઉચાપત કરી હતી. નાયબ હિસાબનીશે કરેલી નાણાંકીય ગેરરીતિનો ભાંડો ફૂટતા કપટી અધિકારી સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના ગઢડા રોડ પર આવેલા લક્ષ્મીવાડી ખાતે રહેતા અને બોટાદ તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીસ તરીકે ફરજ બજાવતા શિવમભાઈ વિનોદભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ બોટાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, બોટાદ તાલુકા પંચાયતના તત્કાલિન નાયબ હીસાબનીશ સંજય પ્રવીણચંદ્ર મહેતાએ પોતાની ફરજ દરમિયાન તાલુકા પંચાયત બોટાદની કચેરીના પી.એલ.એ. ઓફ ટી.ડી.ઓ ખાતાના અલગ અલગ કુલ છ ચેકો જે પૈકી અમુક ચેકોનું ચુકવણું થઈ ગયેલ હોવા છતાં તેમજ અમુક ચેકો ખોટી રીતે રદ્દ થયેલ બતાવી કુલ રૂ.૧૯,૯૨,૮૬૦ના ચેકોમાં ઉપરી અધિકારીને વિશ્વાસમાં તેમની સહીઓ કરાવી બેન્ક શીડયુલમાં જાતેથી સહીઓ કરી પોતાના તેમજ અલગ-અલગ ખાતામા પૈસા જમા કરાવી મેળવી લઈ સરકારના નાણાંની ઉચાપત કરી હતી. તદુપરાંત  તાલુકા પંચાયત બોટાદના સને- ૨૦૧૯-૨૦ની તપાસ દરમિયાન રદ્દ કરેલ ચેકોના ચેક નંબરનો ઉપયોગ કરી તેની સામે નવા ચેક ઈસ્યુ કરીને નાણાંકીય ગેરરીતિ કરી છે. જે પત્રક-૧૧માં દર્શાવેલ વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં રદ્દ કરેલ ચેકોની ચુકવણી કર્યા બાદ ફરીથી રદ કરેલ ચેકની વિગતના આધારે બિનઅધિકૃત રીતે નવા ચેક ઇસ્યુ કરીને નાણાંકીય ગેરરીતિ- ઉચાપત કરી હતી. જે બનાવ અંગે બોટાદ પોલીસે સંજય પ્રવીણચંદ્ર મહેતા સામે આઈપીસી ૪૦૯, ૪૨૦ મુજબ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં કપટ કરી સરકારના ૧૯.૯૨ લાખથી વધુની રકમ ચાઉં કરી જનાર તત્કાલિન નાયબ હિસાબનીશ એસ.પી. મહેતાનો ભાંડો ફૂટતા ખાતાકીય તપાસમાં તેણે પોતાના પર લાગેલો આરોપ સ્વીકાર્યો હતો. જેના આધારે નાયબ હિસાબનીશને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News