શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લાકડિયાના યુવાન સાથે રૂ.18.30 લાખની છેતરપિંડી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લાકડિયાના યુવાન સાથે રૂ.18.30 લાખની છેતરપિંડી 1 - image


- વોટ્સએપ ગુ્રપના એડમિન વિરુદ્ધ યુવાને ફરિયાદ નોંધાવી

- યુવાને કટકે-કટકે રકમ જમા કરાવ્યા બાદ રકમ ઉપાડવા ન દીધી 

ભાવનગર : ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા અને તળાજામાં આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને વિશ્વાસમાં લઈ શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને ડુપ્લીકેટ એપ્લિકેશનમાં નાણાંનું રોકાણ કરાવી કુલ રૂ. ૧૮.૩૦ લાખની રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતા યુવાને સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા અને તળાજામાં આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોક માર્કેટને લગતી એક જાહેરાત આવી હતી જેમાં તેમણે ક્લિક કરતા તેઓ સ્ટોક માર્કેટ નેવિગેશન-૧૮ નામના વોટ્સએપ ગુ્રપમાં જોઈન્ટ થયા હતા. આ ગુ્રપમાં શરૂઆતમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટિપ્સ આવતી હતી. ત્યારબાદ ગુ્રપમાં બ્લોક ટ્રેડિંગ વિશે મેસેજ મોકલેલ જેમાં ટ્રેનિંગ કરવાથી સ્ટોક ઓછા ભાવે મળે છે અને સારો નફો થાય છે તેવું જણાવવામાં આવ્યું હતું.

ગત તા.૧૨ એપ્રિલ ૨૦૨૪ ના રોજ એક મોબાઈલ નંબર પરથી મેસેજ કરીને તેમને બ્લોક ટ્રેડિંગ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને એક વેબસાઈટની લિંક પણ મોકલી હતી જેમાં કુલદીપસિંહે એકાઉન્ટ બનાવી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ ગ્પમાં સ્ટોક ખરીદવા માટે દર્શાવેલ વેબસાઈટ અથવા એપ્લિકેશનમાં સ્ટોક ખરીદવા માટેની રકમ જેતે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની હતી આથી તેમને તેમના મિત્ર પાર્થ જોશીના એકાઉન્ટમાંથી કટકે કટકે ૧૪ જેટલા ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ.૧૮,૩૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. કુલદીપસિંહે ટ્રાન્સફર કરેલ રકમ ઉપાડવા માટે રિક્વેસ્ટ કરતા તેઓને ટેક્સ અને બીજા ચાર્જીસના વધારે નાણા ભરવા પડશે તેમ જણાવેલ અને રકમ ઉપાડવા દીધી ન હતી, આથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કુલદીપસિંહ ગોહિલે સ્ટોક માર્કેટ નેવિગેશન-૧૮ ગુ્રપના બાર જેટલા ગુ્રપ એડમીન નંબર ધારકો વિરુદ્ધ ભાવનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯ અને આઇટી એક્ટની કલમ ૬૬ (ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News