Get The App

ફાર્મ હાઉસ બનાવી આપવાનું કહી ઉદ્યોગકાર સાથે 17 લાખની ઠગાઇ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ફાર્મ હાઉસ બનાવી આપવાનું કહી ઉદ્યોગકાર સાથે 17 લાખની ઠગાઇ 1 - image


કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં

રાજકોટના બિલ્ડરે રકમ મેળવી હાથ ઊંચા કરી દેતા ફરિયાદ

જામનગર: કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ફાર્મ હાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના એક ઉદ્યોગકાર પાસેથી રાજકોટના જે બિલ્ડરે કટકે કટકે સતર લાખ રૂપિયા મેળવી લીધા પછી ફાર્મ હાઉસ બનાવી નહીં આપી રકમ પણ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેક્ટરી ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડયા નામના ૬૫ વર્ષના બુઝુર્ગે પોતાની સાથે રૂપિયા ૧૭ લાખની છેતરપિંડી કરવા અંગે રાજકોટમાં જ સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હરેશ ભાઈ પંડયા કે જે પોતાની રબરની ફેક્ટરી બંધ કરી હતી, અને અન્ય પાર્ટીને વહેચી નાખી હતી, જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસમાં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ મારુ સાથે સંપર્ક કર્યો હતો, અને ૨૦૧૬ની સાલમાં ૨૪,૫૦,૦૦૦ માં ફાર્મ હાઉસ ઉભું કરવા માટેનો સોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે ફૂલ સતર લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

જેને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્રભાઈ મારુ એ કોઈ પણ પ્રકારનું બાંધકામ કે ફાર્મ હાઉસ તૈયાર કરીને આપ્યું ન હતું, કે કોઈપણ પ્રકારની રકમ પણ પરત કરી ન હતી. તેથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.પી. ગોહિલે ગુનો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

 કાલાવડ પંથકમાં હોલીડે સિટીમાં ફાર્મ હાઉસ અને ક્લાસિકા રેસીડેન્સી બનાવવાના બહાને આરોપી જીતેન્દ્રભાઈ મારુ કે જેણે અન્ય કેટલાક વ્યક્તિઓ પાસેથી પણ ફાર્મ હાઉસ અથવા તો ફ્લેટ બનાવી આપવાના બહાને નાણા પડાવી લીધા હતા. જે અંગેની રાજકોટ સહિત અન્ય સ્થળોએ પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. તેણે રાજકોટ સહિતના અનેક લોકોનું મોટી રકમનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News