આનંદનગરમાં ત્રણ મહિલા સહિત 17 જુગારી ઝડપાયા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
આનંદનગરમાં ત્રણ મહિલા સહિત 17 જુગારી ઝડપાયા 1 - image


- મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચનો દરોડો

- ગંજીપાના, પાથરણાં સાથે રૂા. 1.21 લાખની રોકડ કબજે લેવાઈ

ભાવનગર : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી જૂની એલઆઈજીના મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર ક્રાઈમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દરોડો પાડી ત્રણ મહિલા સહિત ૧૭ જુગારીને ૧.૨૧ લાખની રોકડ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આનંદનગર, જૂની એલઆઈજી, રૂમ નં.૫૬૮માં રહેતો મુંજાલ અક્ષયભાઈ પાઠક નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગારધામ ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આજે વહેલી સવારના ૬-૧૫ કલાકના અરસામાં ભાવનગર એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતો મુંજલા પાઠક, કુલદીપસિંહ હેમરાજસિંહ ગોહિલ, આરીફ મહમંદભાઈ ભાડુલા, અનિલ જીવરાજભાઈ મકવાણા, મુકેશ ગુણવંતરાય શાહ, સાગર ચંદુભાઈ ચુડાસમા આરીફ મુન્નાભાઈ આરબ, ઈમરાન ઈસુબભાઈ કાપડિયા, વિક્રમ શંકરભાઈ મકવાણા, રોહિત રમણિકભાઈ ચુડાસમા, અસ્લમ સતારભાઈ સુવાણ, સાગર વેલજીભાઈ પરમાર, જય અનિલભાઈ બચવાણી અને મોહસીન ગફારભાઈ પઠાણ નામના ૧૪ જુગારીને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડામાં જુગારની હારજીતની બાજી ઉપર નસીબ અજમાવી રહેલા કૈલાસબેન દેવાભાઈ ગોહેલ, આરાધનાબેન ઉમંગભાઈ શુકલા અને ફરીદાબેન બરતકતભાઈ ભીમડિયા નામની ત્રણ મહિલા હાજર મળી આવતા આજે સવારે પોલીસ મથકે હાજર થવાનું જણાવતા ત્રણેય મહિલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડામાંથી ક્રાઈમ બ્રાંચે રોકડ રૂા.૧,૨૧,૪૦૦, ગંજીપાના અને પાથરણું સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ ૪, ૫ મુજબ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News