તળાજા નજીક 16 વ્હીલનું ટોરસ નાળામાં ખાબક્યું, ડ્રાઈવરનું મોત

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
તળાજા નજીક 16 વ્હીલનું ટોરસ નાળામાં ખાબક્યું, ડ્રાઈવરનું મોત 1 - image


- શેત્રુંજી પુલ ઉપર સોડાએસની થેલીઓ વેરાતા હાઈવે બ્લોક થયો

- સુત્રાપાડાથી જીએચસીએલનો સોડાએસ પાવડર લઈ નીકળેલા ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જાયો

તળાજા : તળાજાના શેત્રુંજી પુલ નજીકના નાળામાં પરોઢિયાના સમયે સોડાએસ પાવડરનો જથ્થો ભરેલો ૧૬ વ્હીલનો ટોરસ ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને કારણે હાઈવે બ્લોક થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા જીવાભાઈ ગોગનભાઈ કરમટા સુત્રાપાડાથી જીએસસીએલનો સોડાએસનો પાવડર ભરીને ભાવનગર આવવા નીકળ્યા હતા. દરમિયાનમાં આજે શનિવારે વહેલી સવારે ૫-૩૦ કલાકના અરસામાં સોડાએસ ભરેલો ૧૬ વ્હીલનો ટોરસ ટ્રક નં.જીજે.૩૨.વી.૦૦૪૩ તળાજા પાસે શેત્રુંજી નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ડ્રાઈવરની બેદરકારીના કારણે તેણે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટોરસ ટ્રક પાળી તોડીને પંદરેક ફૂટ ઊંડા નાળામાં ધડાકાભેર ખાબક્યો હતો. જે બનાવમાં જીવાભાઈ કરમટાને ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટોરસમાં ભરેલા સોડાએસના પાઉડરની થેલીઓ રોડ ઉપર વેરાતા હાઈવે પર એક તરફનો માર્ગ બ્લોક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તળાજા પોલીસે સ્થળ પર દોડી જઈ લોકોની મદદથી ત્રણેક કલાકની જહેમત બાદ મૃતક ટ્રકચાલકના બોડીને બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડયો હતો. આ અકસ્માતના બનાવમાં આગળના વ્હીલ ચેસીસથી અલગ થઈ ગયા હતા.

ઘટના સંદર્ભે અરજણભાઈ વીરાભાઈ કરમટા (ઉ.વ.૩૦, રહે, ગંગનાથપરા, કેશોદ, જિ.જૂનાગઢ)એ તેના કાકાના દિકરા મૃતક જીવાભાઈ કરમટા સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોની મદદથી પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો

તળાજાના શેત્રુંજી પુલ ઉપર ટોરસ પલટી મારી જવાની ઘટના બાદ સોડાએસ પાવડરની થેલીઓ રસ્તા પર વેરાતા રોડ બ્લોક થઈ ગયો હતો. જેથી પોલીસે સ્થાનિક લોકોની મદદ લઈ પાવડરની થેલીઓને સાઈડમાં કરાવી રોડ ખુલ્લો કરાવ્યો હતો.


Google NewsGoogle News