કપાસના સારા ભાવ આપવાની લાલચ આપી ખીરસરાના ખેડૂત સાથે 13.70 લાખની ઠગાઇ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
કપાસના સારા ભાવ આપવાની લાલચ આપી ખીરસરાના ખેડૂત સાથે 13.70 લાખની ઠગાઇ 1 - image


રાજકોટના જીન માલિકે માળિયા પંથકમાં પણ કરી ઠગાઇ

અનેક ખેડૂતો સાથે છેતરપીંડી કરનાર ચોટીલા - થાન રોડ પરની સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનિંગ મીલના માલિક સામે વધુ એક ફરિયાદ

મોરબી: ચોટીલા - થાન રોડ પર આવેલી સિધ્ધનાથ કોટેક્ષ એન્ડ સ્પીનિંગ મીલ (જીન)ના માલિકો દ્વારા ચોટીલા ઉપરાંત અન્ય જિલ્લાના ખેડૂતોને કપાસના ઊંચા ભાવ આપવાની લાલચ આપી કપાસની ખરીદી કરી કરોડોની રકમ નહીં ચૂકવી જીનને તાળું મારી નાસી છૂટતા તેની સામે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ જીન મીલના એક માલિક દ્વારા માળિયામિંયાણાના ખીરસરા ગામના ખેડૂતનો પણ ૮૪૬ મણ કપાસ પડાવી લઇ રકમ ન ચૂકવી ૧૩.૭૦ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાવાઇ છે. 

ખીરસરા ગામે રહેતા વિજયભાઈ છગનભાઈ ખાંડેખા (ઉ.વ.૪૧)એ આરોપી સુરેશ ગોવિંદભાઈ લુણગરીયા (રહે. રાજકોટ નાના મવા રોડ રાજ રેસીડેન્સી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમના વેવાઈ સામળાભાઈ પાલાભાઇ ગોગરા (રહે. રાજકોટ)ને તેમણે વાત કરી હતી કે બજારમાં કપાસના સારા ભાવ થઈ તો કેજો આપણી પાસે કપાસ પડયો છે. જેથી તેમણે સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલ સાથે વાત કરી તમને જણાવીશ. તેમ કહ્યું હતું. 

થોડા દિવસ પછી વેવાઈ સામળાભાઈનો ફોન આવ્યો કે સુરેશ પટેલ તમારા ગામ બાજુ આવેલ છે. તમારો કપાસ બતાવી દેજો. ભાવ પછી કહેશે. સુરેશ પટેલને કપાસ બતાવતા હાલ બજારભાવ એક મણના રૂા. ૧૪૦૦ ચાલે છે. જેથી આ ભાવમાં કપાસ આપવાની ના પાડી હતી. અને અત્યારે બધો કપાસ ભરી દો. ભાવ જયારે તમે કહેશો બજારભાવ હશે તે હું આપી દઈશ. જેથી કપાસ બગડે નહિં તેમ કહ્યું હતું. તે માટે  બે વાહનોનાં કુલ ૮૪૬ મણ કપાસ ભરાવી આપ્યો હતો.

આજથી એક દોઢ માસ પૂર્વે કપાસના બજાર ઉંચકતા વેવાઈ સામળાભાઈ સાથે સુરેશભાઈ પટેલની મિલે ગયા હતા. અને કપાસનો ભાવતાલ કરવા માટે અને બજાર ભાવ બાબતે પૂછતાં ૧૬૨૦-૧૬૩૦ બજાર હોવાનું કહીને થોડી રાહ જોવા કહ્યું અને ૧૭૦૦ રૂપિયા થયે આપી દેવાનું જણાવ્યું હતું. બાદમાં રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરી વેવાઈને સાથે લઈને સુરેશભાઈની મિલ સિદ્ધનાથ કોટેક્ષ પ્રા. લી. થાનગઢ રોડ ચોટીલા ખાતે ગયા હતા. જ્યાં મિલમાં આવેલ ઓફિસમાં તાળું મારેલ હતું અને કોઈ હાજર ના હતું સુરેશભાઈ ગોવિંદભાઈ લુણસરીયા (રહે. રાજકોટ) મિલને તાળું મારીને ક્યાંક જતા રહ્યાંનું જાણવા મળ્યું હતું. આમ ૮૪૬ મણ કપાસ પડાવી લઇ ૧૩.૭૦ લાખ ન ચૂકવી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવતા. માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે. 


Google NewsGoogle News