Get The App

વિંછીયા પાસે થયેલી 11.55 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, વેપારી ઝબ્બે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વિંછીયા પાસે થયેલી 11.55 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, વેપારી ઝબ્બે 1 - image


પાળીયાદના શાકભાજીના વેપારીએ દેણુ થઇ જતાં લૂંટ ચલાવી હતી

બે દિવસથી વિંછીયાની બેન્કો પાસે આંટા મારતો હતો, શુક્રવારે શિકાર મળી જતાં લૂંટ ચલાવી હતી

રાજકોટ: વિછીયાની એસબીઆઈમાંથી રૂા. ૧૧.૫૫ લાખ લઇને બાઇક પર ઝવેરભાઈ જમોડ (ઉ.વ.૮૦) અને ધમાભાઈ (ઉ.વ.૬૦) જતા હતા ત્યારે ચિરોડના પાટિયા પાસે બાઇક પર ધસી આવેલો શખ્સ ઝવેરભાઇના હાથમાંથી રૂા. ૧૧.૫૫ લાખ ભરેલો થેલો લૂંટી ભાગી ગયો હતો. ગત શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાનો ભેદ રાજકોટ રૂરલ એલસીબી, એસઓજી અને વિંછીયા પોલીસે મળી ઉકેલી લઇ આરોપી કિરણ પ્રવિણભાઈ મેર (ઉ.વ.૨૦, રહે. પાળીયાદ)ની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં એવું ખૂલ્યું છે કે, કિરણ શાકભાજીનો ધંધો કરે છે. બોટાદ યાર્ડમાથી તેણે વેપારીઓ પાસેથી ઉધારમાં રૂા. દોઢથી બે લાખની શાકભાજીની ખરીદી કરી હતી. જે દેણુ તેની ઉપર થઇ જતાં તેમાંથી બહાર નીકળવાનો કોઇ માર્ગ નહીં દેખાતા લૂંટની યોજના બનાવી હતી.

આ માટે તે ગત ગુરુવારે વિંછીયાની બેન્કો પાસે આંટા મારી આવ્યો હતો પરંતુ કોઇ શિકાર મળ્યો ન હતો. શુક્રવારે ફરીથી વિંછીયાની એસબીઆઈ બેન્કમાં ગયો હતો. તે વખતે  ઝવેરભાઈને કાઉન્ટર પરથી મોટી રકમ થેલામાં નાખતા જોતાં તત્કાળ બેન્કની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઝવેરભાઈ, ધમાભાઇ સાથે બાઇક પર રકમ લઇ નીકળતાં બંનેનો પીછો કર્યા બાદ ચિરોડના પાટિયા પાસે મોકો મળતાં જ ચાલુ બાઇકે જ થેલો ઝૂંટવી ભાગી ગયો હતો.

તેના આ કૃત્યને કારણે ઝવેરભાઈ અને ધમાભાઈ બાઇક પરથી પટકાઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેથી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. વિંછીયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં એલસીબી અને એસઓજી પણ જોડાઇ હતી. સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે આરોપી કિરણની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી લૂંટનાં રૂા. ૧૦ લાખ, મોબાઇલ ફોન, બેન્કની પાસબૂક-ચેકબૂક અને ગુનામાં વપરાયેલું બાઇક મળી રૂા. ૧૦.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

તેણે લૂંટની રકમમાંથી દોઢથી બે લાખનું દેણુ ભરપાઇ કર્યાની પોલીસને કબૂલાત આપી છે. એટલું જ નહીં, ફરિયાદી અને તેના મિત્ર વૃધ્ધ હોવાથી સામનો નહીં કરી શકે તેમ જણાતા તેમને શિકાર બનાવ્યા હતા. ફરિયાદીને બાઇક ચલાવતા આવડતું ન હોવાથી પાડોશીને સાથે લઇ બેન્કે ગયા હતા. એટલું જ નહીં ફરિયાદીએ બાઇક પર બે શખ્સોએ પીછો કરી લૂંટ ચલાવ્યાનું પોલીસને કહ્યું હતું. જો કે પોલીસ સૂત્રોએ કહ્યું કે તપાસમાં એક જ શખ્સની સંડોવણી ખૂલી છે. 


Google NewsGoogle News