Get The App

નાન ભાઈની હત્યામાં પકડાયેલા મોટાભાઈને 10 વર્ષની સખત કેદ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
નાન ભાઈની હત્યામાં પકડાયેલા મોટાભાઈને 10 વર્ષની સખત કેદ 1 - image


રાજકોટના રૈયા ગામમાં સાત વર્ષ પહેલાની ઘટનામાં અદાલતનો ચૂકાદો

મૃતકે મોટાભાઈને તેની પત્નીને આડા સંબંધો હોવાની જાણ કરતાં ઝગડો થતા બોલેરો હડફેટે લઇ મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટ: રાજકોટ નજીકના રૈયા ગામની સીમમાં વાડીએ મુકેશ મોહન રોજાસરાને બોલેરોની હડફેટે લઇ હત્યા કરવાના ગુનામાં પકડાયેલા તેના મોટાભાઈ રાજુ (ઉ.વ.૪૫)ને રાજકોટની પ્રિન્સીપાલ સેશન્સ જજ વી.બી. ગોહીલે સાપરાધ મનુષ્યવધના ગુનામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. સાથોસાથ રૂા. ૧૦ હજારનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો હતો. 

આ કેસની વિગત એવી છે કે રૈયા ગામની સીમમાં પોતાની વાડીએ વાવેતર કરતાં મૃતકને ખ્યાલ આવ્યો હતો કે તેની ભાભીને ગામના જ દેવા નામના શખ્સ સાથે આડા સંબંધો છે. જેથી તેણે આ વાત પિતાને કરી કહ્યું કે ભાભીની દીકરીના હાલમાં લગ્ન છે, તેથી આવા સંબંધો યોગ્ય ન કહેવાય. આ બાબતે આરોપીને મૃતક સાથે ઝગડો થયો હતો. તે વખતે એવી દલીલ કરી હતી કે મૃતક કુટુંબની આબરૂને ઉછાળે છે. 

ગઇ તા. ૫-૭-૨૦૧૭ના રોજ મૃતક પોતાની વાડીએ હતા ત્યારે સમ્પમાંથી પાણી આવવાનું બંધ થતાં મોટર સાઇકલ લઇ કૂવા તરફ જતા હતા ત્યારે તેની પત્ની પણ વાડીએ હાજર હતી. આ વખતે તેણે જોયું કે તેના પતિના મોટર સાઇકલની પાછળ આરોપી પૂરઝડપે બોલેરો યુટીલીટી લઇ જઇ રહ્યો છે. જેથી તેણે આ બાબતની જાણ કરવા માટે પતિને કોલ કર્યો હતો. પરંતુ તે સ્વીચ ઓફ મળ્યો હતો. પરિણામે તે દોડીને કૂવા તરફ પહોંચી ત્યારે તેના પતિની લાશ મોટર સાઇકલની બાજુમાંથી મળી આવી હતી. 

એટલું જ નહીં મોટર સાઇકલને ઘણું નુકસાન પણ  થયું હતું. જેથી તેણે પોલીસમાં પતિનું અકસ્માતના કારણે નહીં પરંતુ આરોપીએ ઇરાદાપૂર્વક વાહનથી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પૂરાવો નોંધાયા બાદ આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવ્યો હતો કે લાશનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાની પ્રમાણે મૃતકનું મોત વાહન અકસ્માતથી થઇ શકે તેમ હતું. જેથી આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી શકાય નહીં. 

જ્યારે સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે, જે જગ્યાએ અકસ્માત થયો છે, તે રસ્તો કાચો અને સાંકડો હોવાથી ફોર વ્હીલર અતિશય સ્પીડમાં ચાલી શકે તેમ ન હોવા છતાં આરોપી ફૂલસ્પીડમાં ડ્રાઇવિંગ કરી મૃતકની પાછળ જઇ રહ્યા હતા. તેથી આકસ્મિક રીતે આવો અકસ્માત થાય તે અશક્ય છે. 

આ ઉપરાંત આટલા સાંકડા રસ્તામાં અતિશય સ્પીડે વાહન ચલાવવા પાછળ કોઇનો ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો જ ઉદ્દેશ હોઇ શકે. આ કેસની ખાસિયત એ છે કે મોટાભાઈએ અતિશય સ્પીડમાં વાહન ચલાવી નાના ભાઈના મોટર સાઇકલ સાથે પાછળથી ભટકાડયું છે. જે સાબિત કરે છે કે આવું કૃત્ય અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા છે. એટલું જ નહીં આ વિસ્તારમાં ફોર વ્હીલર લઇને આવવા માટેનો કોઇ ઉદ્દેશ સમગ્ર બચાવ દરમિયાન લેવામાં આવ્યો નથી. આ હકીકત પણ આરોપીનું ગુનાઇત માનસ સ્પષ્ટ કરે છે. 


Google NewsGoogle News