મોઢવાડા ગામે અડવાણા ગામના શખ્સની હત્યાના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
પત્નીની છેડતી થતા પતિએ કૂહાડાથી હુમલો કર્યો હતો
છેડતી કરનાર શખ્સને પત્નીએ પકડી રાખ્યો હતો અને પતિએ કુહાડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો
પોરબંદર : અડવાણાના યુવાનની મોઢવાડા ગામે ૨૦૨૧ની સાલમાં ઘાતકી હત્યા થઈ હતી. છેડતીના કારણે થયેલ હત્યાના આ બનાવમાં આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.
બનાવની વિગત એવી હતી કે ૩ ઓકટોબર ૨૦૨૧ના અડવાણાનો અરવિંદ મેઘા વાઘેલા બાઈક લઈને મોઢવાડા ગામે જવાનુ કહીને નીકળ્યો હતો અને તેને કોઈએ માથામાં ડાબી બાજુ ખોપરીના ભાગે તીક્ષ્ણ હથિયારના લાંબા અને ઉંડા ઘા મારી પતાવી દીધો હતો અને આ કિસ્સામાં ગોવિંદ મેઘા વાઘેલાએ પોતાના ભાઈ અરવિંદની અજાણી વ્યકિતએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઘાતકી હત્યા નિપજાવ્યાનો ગુન્હો નોંધાવ્યો હતો.
પોલીસ દ્વારા આ બનાવમાં જે તે સમયે તપાસ હાથ ધરવામાં આવતા એવુ બહાર આવ્યુ હતુ ેક મરણ જનાર અરવિંદે મોઢવાડા ગામે ભીનીબેન ઉર્ફે બેનીબેન લખુ ઉર્ફે કાલો ટપુ વાઘેલાની છેડતી કરી હતી. રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે આ છેડતીનો બનાવ બનતા મહિલાનો પતિ લખુ ઉર્ફે કાલો ટપુ વાઘેલા કુહાડો લઈને અરવિંદ મેઘા વાઘેલાની પાછળ દોડયો હતો અને તેની પત્ની ભીની ઉર્ફે બેનીબેન પણ તેની સાથે જ પીછો કરીને આવી હતી. મોઢવાડા ગામે મહેર સમાજ નજીક ભીની ઉર્ફે બેની લખુ વાઘેલાએ અરવિંદને પકડી રાખ્યો હતો અને ભીનીના પતિ લખુ ઉર્ફે કાલોએ લોખંડના કુહાડા વડે માથાના ભાગે ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી આથી પોલીસે હથીયારબંધી જાહેરનામા ભંગ સહિત હત્યાના ગુન્હામાં લખુ અને તેની પત્ની ભીનીબેનની ધરપકડ કરી હતી.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દ્વારા ૩૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૨૧ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી લખુ ઉર્ફે કાલો ટપુભાઈ વાઘેલાને ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૨૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવેલ છે.