મહુવામાં 4 વર્ષ પહેલાં પોષડોડા સાથે ઝડપાયેલ 2 આરોપીને 10 વર્ષની કેદ
- મહુવાની ચોથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચૂકાદો
- ડુંગળીની આડમાં પોષડોડાનો મોટો જથ્થો લાવી સગેવગે કરે તે પહેલાં પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા
આ કેસ અંગે મળતી વિગત અનુસાર મહુવાના રાજુલા રોડ પર આવેલ બંધ એસ્સાર પેટ્રોલ પમ્પ પર ગત તા.૧૭/૦૬/૨૦૨૦ ના રોજ મંદોસર, પ્રતાપગઢ ખાતેથી ડુંગળીની આડમાં લવાયેલ પોષડોડા (કાલા)ના ૬૯ કોથળા (વજન ૧૩૮૫.૬૨ કિલોગ્રામ, કિં. રૂા.૧૬,૬૨,૬૨૪/- ) ની હેરાફેરી થતી હતી ત્યારે મહુવા પોલીસે દરોડો પાડીને ગગજીભાઈ રાણાભાઈ મેરને ઝડપી લીધો હતો. પોષડોડાના કારોબારમાં મહુવા પોલીસે ઝડપાયેલા ગગજી મેર (રહે.ઇસોરા,તા તળાજા) ઉપરાંત નારૂગર સોમગર ગૌસ્વામી (રહે.મહુવા,મૂળ રહે.ઇસોરા, તા.તળાજા), વિષ્ણુગર પ્રેમગર ગૌસ્વામી (રહે.મહુવા, મૂળ રહે.ઇસોરા, તા.તળાજા), સુરેશગીરી કાન્તિગીરી ગૌસ્વામી (રહે.સિહોર), દર્શનગીરી શંભુગીરી ગૌસ્વામી (રહે.મહુવા), નરેશગીરી ઉર્ફે ભુરો ભૂપતગીરી ગૌસ્વામી (રહે.મહુવા),બબાભાઈ ઉર્ફે બબલુ ગંગારામભાઈ (રહે.વજીયાસરા, તા.વાવ, જિ. બનાસકાંઠા), મુબારકખાન અસ્લમખાન મેવાતી (રહે.અચેરીગામ, થાના વાય.ડી.નગર,મધ્યપ્રદેશ) સહિતના વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ ૧૫,૧૫(સી),૨૫,૨૯ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
આ અંગેનો કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ.એસ.પાટીલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો,આધાર પુરાવાઓ ધ્યાને લઈને અદાલતે આરોપી ગગજી રાણાભાઈ મેર અને નારૂગર સોમગર ગૌસ્વામીને કસૂરવાર ગણી બન્ને આરોપીઓને ૧૦ વર્ષની કેદની સજા અને રૂા. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસના અન્ય તહોમતદારોને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.