સાપરાધ મનુષ્ય વધના ગુનામાં બે આરોપીને 10 વર્ષની કેદ
2016માં થયેલી હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો
બાઈક અડી જવાની નજીવી બાબતે ઝઘડો કરી બે પર હુમલો કર્યો હતોઃ ૧નું મૃત્યુ નિપજયું હતું
રાજકોટ: કુવાડવા રોડ પર ર૦૧૬માં બાઈક અથડાવવાના મુદ્દે થયેલી હત્યામાં કોર્ટે બે આરોપીને સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રોહીદાસપરામાં રહેતો દિલીપભાઈ સાગઠીયા ગઈ તા.૧પ-૬-૧૬ના તેના મોટાબાપુના દિકરા મહેન્દ્ર કેશુભાઈ સાગઠીયા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે કુવાડવા રોડ પર એક પાનની દુકાન પાસે બાઈક અથડાવવાના મુદ્દે અને ખર્ચ માંગવાની બાબતે ગોવિંદ, ચિરાગ અને નરેશે ગુપ્તીથી હુમલો કરતા મહેન્દ્રનું મૃત્યુ નિપજયું હતું.
આ કેસ ચાલી જતા એડીશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટે બંને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પુરાવાને ધ્યાને લઈ આરોપી નરેશ ઉર્ફે કાળુ મનસુખભાઈ ચુડાસમા અને ગોવિંદ ઉર્ફે ગોવો નારણભાઈ મનવર (રહે. બને રોહીદાસપરા)ને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ ૩૦૪ હેઠળ ૧૦ વર્ષની, ૩૦૯ હેઠળ ૭ વર્ષની, ૧ર૦ (બી) હેઠળ સાત વર્ષની, ૩૪૧ હેઠળ ૧ માસની, ૩૮૭ અને પ૦૬ (ર) હેઠળ પાંચ-પાંચ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષ તરફથી એ.પી.પી. બીનલબેન રવેશીયા રોકાયા હતા.