ગારિયાધારના યુવાનના મોત મામલે શખ્સને 10 વર્ષની કેદ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ગારિયાધારના યુવાનના મોત મામલે શખ્સને 10 વર્ષની કેદ 1 - image


- ભાવનગર કોર્ટે સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો

- પિતા-પુત્રના ઝઘડામાં સમજાવવા જતાં યુવાનને છરીનો ઘા મારતા ઈજાગ્રસ્તે સારવારમાં દમ તોડી દીધો હતો

ભાવનગર : ગારિયાધાર શહેરમાં પાડોશી પિતા-પુત્રના ઝઘડામાં સમજાવવા વચ્ચે પડેલા એક યુવાનને શખ્સે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનનું સારવારમાં મૃત્યુ થયું હતું. આ ચકચારી ઘટનામાં ભાવનગર કોર્ટે શખ્સને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધાર શહેરના આશ્રમ રોડ, વણકરવાસ વિસ્તારમાં  રહેતો પ્રદીપ મોહનભાઈ જામલિયા નામનો શખ્સ ગત તા.૨૪-૬-૨૦૨૨ના રોજ તેના પિતા મોહનભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરતો હોય, જેથી પાડોશીધર્મના નાતે વિજયભાઈ સુરેશભાઈ વણઝારાએ દોડી જઈ પિતા સાથે મારામારી ન કરવાનું સમજાવતા શખ્સે ઉશ્કેરાઈ જઈ તું કોણ મને કેવા વાળો ? મારા ઘરનો પ્રશ્ન છે, તું જતો રહે તેમ કહી સગા પુત્રે પિતાને છરીનો ઘા મારતા વિજયભાઈએ ના પાડતા પ્રદીપ જામલિયાએ યુવાનને સાથળના ભાગે છરીનો ઘા મારી દેતા ગંભીર ઈજા થવાથી વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ હતું. બનાવ અંગે સુરેશભાઈ નારણભાઈ વણઝારાએ પ્રદીપ મોહનભાઈ જામલિયા સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી.

દરિયાનમાં આ કેસ આજે ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજ આર. જોષીની ધારદાર દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખી ન્યાયમૂર્તિ પીરઝાદાએ આરોપી સામેનો ગુનો સાબિત માની ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે આરોપી પ્રદીપ જામેલિયાને આઈપીસી ૩૦૪ ભાગ-૨ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૧૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૨૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષ સાદી કેદની સજા ફટકારી હતી. જીપીએ ૧૩૫ મુજબ ત્રણ માસની કેદ અને રૂા.૧૦૦નો દંડ ભરવાનો અને દંડ ન ભરે તો એક દિવસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.


Google NewsGoogle News