વેપારી પાસેથી રૂા.1.80 લાખના લીલા વટાણા મંગાવી છેતરપીંડી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News


વેપારી પાસેથી રૂા.1.80 લાખના લીલા વટાણા મંગાવી છેતરપીંડી 1 - image

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં રહેતા

રાજકોટના જૂના માર્કેટયાર્ડમાંથી ભાવેશ પટેલ નામ ધારણ કરી ઓર્ડર આપનાર ગઠીયાની શોધખોળ

રાજકોટ: મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શાકી ગામે રહેતા શાકભાજીના વેપારી નિર્મળ ગાંગુડે (ઉ.વ.૪૩) પાસેથી રાજકોટના ભાવેશ પટેલ નામ ધારણ કરનાર ગઠીયાએ ર ટન લીલા વટાણા મંગાવી રૂા.૧.૮૦ લાખની છેતરપીંડી કર્યાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં નિર્મળભાઈએ જણાવ્યું છે કે શાકી ગામ નજીક નેશનલ હાઈવે પર સાંઈરામ ટ્રેડીંગ નામથી શાકભાજીનો વેપાર કરે છે. ગઈ તા.ર૯નાં રોજ ઘરે હતા ત્યારે એક કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ પોતાનું નામ ભાવેશ પટેલ જણાવી, રાજકોટથી વાત કરતો હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ગાયત્રી વેજીટેબલ નામની પેઢી હોવાનું જણાવી ર ટન લીલા વટાણા ખરીદવાની વાત કરી હતી. 

જેને પોતે ઓળખતા નહીં હોવાનું કહેતા ત્રણ-ચાર વખત કોલ કરી પોતાની પેઢીનું કાર્ડ મોકલી વિશ્વાસમાં લઈ ર ટન લીલા વટાણા મંગાવ્યા હતા. જે મળી ગયા બાદ આંગડીયા મારફત રૂા.૧.૮૦ લાખનું પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. જેથી તેણે ર ટન લીલા વટાણા ટ્રકમાં મોકલી દીધા હતા. ટ્રક ચાલક જૂના માર્કેટીંગ યાર્ડે પહોંચતા એક શખ્સે પોતે ભાવેશનો માણસ હોવાનું જણાવી માલ ગંગા ટ્રેડીંગ નામની પેઢી ખાતે ઉતરાવી દીધો હતો. એટલું જ નહીં રૂા.૬ હજારનું ભાડું ચૂકવી દીધું હતું. 

ત્યારબાદ તેણે પેમેન્ટ માટે ભાવેશને કોલ કરતા થોડી વારમાં પેમેન્ટ કરી આપશે તેમ જણાવી પેમેન્ટ કર્યું ન હતું. આ પછી  બંને મોબાઈલ નંબર બંધ કરી દીધા હતા. આખરે તેણે પોતાના પરિચીત મારફત જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાવેશ પટેલની ગાયત્રી વેજીટેબલ નામની પેઢી બાબતે તપાસ કરાવતા આ નામના શખ્સની કોઈ પેઢી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ગંગા ટ્રેડીંગમાં માલ ઉતાર્યો હોવાથી ત્યાં તપાસ કરાવતા ર ટન લીલા વટાણાનો માલ ખરીદ કર્યાનું અને તેનું પેમેન્ટ આંગડીયા મારફત સુરતના છપરા બજારની બ્રાંચ ખાતે કર્યાનું જાણવા મળ્યું હતું. આ રીતે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં ભાવેશ પટેલ નામ ધારણ કરનાર ગઠીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News