જૂના મોરબી રોડ પર બંધ મકાનમાંથી 1.47 લાખની ચોરી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
જૂના મોરબી રોડ પર બંધ મકાનમાંથી 1.47 લાખની ચોરી 1 - image


રાજકોટમાં કુલ બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા

નાનામવાના સાંઇબાબા પાર્કમાં બંધ મકાનમાંથી તસ્કરો ૭૫ હજારનો ઘરવખરીનો સામાન ચોરી ગયા

રાજકોટ: જૂના મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ પાછળ આવેલા સદગુરુ પાર્ક-૧માં રહેતા નીતિનભાઈ શિવાભાઈ ઉભડીયાના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. ૧.૪૭ લાખની મત્તા ચોરી કરી ગયાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.

નમકીનની ડીલરશીપ ધરાવતા નીતિનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે સંયુક્ત કુટુંબમાં રહે છે. આઠેક દિવસ પહેલા તેના મોટા બાનું અવસાન થયું હતું. જેથી તેના બા-બાપુજી થાનગઢ ગયા હતા. તે અને પરિવારના બાકી સભ્યો ગઇ તા. ૧૭ના રોજ બપોરે મકાનને તાળું મારી થાનગઢ ગયા હતા.

ગઇકાલે બપોરે તેના બા-બાપુજી રાજકોટ પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. મેઇન દરવાજોના તાળા અને નકૂચા તોડી અંદર ત્રાટકેલા તસ્કરો બે રૂમનાં કબાટમાંથી રોકડા રૂા. ૯૮ હજાર અને સોના-ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂા. ૧.૪૭ લાખની મત્તા ચોરી જતાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં નાનામવાના સાંઇબાબા પાર્કમાં રહેતા આરતીબેન વિજયભાઈ રાવના બંધ મકાનમાંથી તસ્કરો રૂા. ૭૫ હજારની કિંમતનો ઘરવખરીનો સામાન ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં આરતીબેને જણાવ્યું છે કે હાલ જ્યાં રહે તે મકાન વેચવા કાઢ્યું હતું. હાલ તે મકાનની સામે આવેલા મકાનમાં રહે છે. જે મકાન વેચવા કાઢ્યું હતું તેનો ઘરવખરીનો સામાન બાચકામાં પેક કરી રાખી મૂક્યો હતો. જે તસ્કરો ચોરી કરી ગયા હતા. આ સામાનમાં સ્ટીલના ડબ્બા, ડીશ, ચમચીઓ, થાળીના સેટ, મોટા તપેલા, કૂકર વગેરે હતા. 



Google NewsGoogle News