ભાવનગર જિલ્લામાં 1,412 ટીબીના દર્દી સારવાર હેઠળ
- ભાવનગર કેવી રીતે બનશે ટીબી મુક્ત?
ભાવનગર : સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. સરકાર દ્વારા જનભાગીદારીથી નિક્ષયમિત્ર પોર્ટલ થકી ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટ માટે દત્તક લઈ ટીબી મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભાવનગર જિલ્લામાં ન્યૂટ્રીશન કીટ માટે દર્દીઓ દત્તક લેવામાં લોકોમાં નિરસતા જોવા મળી રહી છે.
દર્દીઓ સામે ન્યૂટ્રીશન કીટ માટે દર્દીઓ દત્તક લેવામાં 99 લોકોએ રસ દાખવ્યો, 62 લોકો સહમત થયા
સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત દેશને વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો લક્ષ્ય રખાયો છે. જેના માટે સરકાર દ્વારા જનભાગીદારીથી નિક્ષયમિત્ર પોર્ટલ થકી ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટ માટે દત્તક લઈ ટીબી મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભાવનગર જિલ્લામાં ન્યૂટ્રીશન કીટ માટે દર્દીઓ દત્તક લેવામાં લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. જિલ્લામાં ૧૪૧૨ ટીબીના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જેની સામે ૯૯ લોકોએ નિક્ષય મિત્ર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી દર્દી દત્તક લેવામાં રસ દાખવ્યો જેમાંથી ૬૨ લોકો સહમત દર્દીઓને કીટ આપવા માટે સહમત થયાં છે. જે આંકડો ખુબ ઓછો છે. ભાવનગર જિલ્લમાં હાલ ટીબીની બિમારીમાં ૯૦ ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ ૩ થી ૪ ટકા છે. નિક્ષય મિત્ર પોર્ટલમાં લોકો આગળ આવી ન્યૂટ્રીશનકીટ માટે દર્દીઓ દત્તક લે તો ભાવનગર ટીબી મુક્ત બનાવી શકીશું.
શું હોય છે ન્યૂટ્રીશન કીટ?
ટીબીના દર્દીઓને દવા આપવામાં આવે છે અને તેની સાથે પુરતુ ન્યૂટ્રીશન મળે તો દર્દી ઝડપથી રિકવર થઈ શકે છે. પરંતુ જે ગરીબ દર્દીઓ જે ન્યૂટ્રીશન કીટ લઈ શકે તેમ ના હોય તેમને લોક ભાગીદારી થકી કીટ પુરી પાડવા માટે સરકાર નિક્ષય મિત્ર પોર્ટલ થકી ગરીબ દર્દીઓ જે ન્યૂટ્રીશન કીટ પુરી પાડી ટીબી મુક્ત કરવા યોજના ઘડી છે. કોઈ દર્દીને એક ન્યૂટ્રીશન કીટ આપવા પાછળ ૬૦૦થી ૭૦૦ રુપિયાનો ખર્ચ આવે છે.
શું હોય છે ન્યૂટ્રીશન કીટમાં?
ન્યૂટ્રીશન કીટમા ૩ કિલો અનાજ, ૧.૫ કિલો કઠોળ, ૨૫૦૦ ગ્રામ તેલ અને ૧ કિલો મગફળી હોય છે તે સિવાય કોઈ વ્યક્તિ પોતાની યથાશક્તિ અનુસાર તેમાં ૬ લીટર દુધ કે દુધના પાઉડરનું પેકેટ, ખજુર, ગોળ, ઈંડા સહિતની વસ્તુઓ કિટમાં એડ કરાવી શકે છે.
કેટલી કીટ વહેંચાઈ?
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 3192 કીટ વહેંચવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે.
નિક્ષય મિત્રની રુબરુમાં ૮૧૬ કીટ
આરોગ્ય કેન્દ્રમાંથી ૧૩૦૮ કીટ
દર્દીના ઘરે જઈને ૧૦૬૮ કીટ
કુલ ૩૧૯૨ કીટ
ભાવનગર ટીબી યુનિટના સ્ટાફે દર્દી દત્તક લીધાં
ચેરિટી બિઈંગ એટ હોમ સુત્રને સાર્થક કરતા ભાવનગર ક્ષય કેન્દ્રના સ્ટાફના ૬ સભ્યો દ્વારા ૧૫ દર્દીઓને ન્યૂટ્રિશન કીટ માટે દત્તક લેવામાં આવ્યા છે.
સામાજીક-રાજકીય આગેવાનો આગળ આવે
આ અંગે ભાવનગર જિલ્લા ક્ષય અધિતકારી ડૉ. પી.વી.રેવરે જણાવ્યું હતું કે, જિલ્લાની સામાજીક-રાજકીય સંસ્થા અને આગેવાનો, એનજીઓ તથા ઉદ્યોગપતિઓ આગળ આવી ન્યૂટ્રીશન કીટ માટે દર્દીઓ દત્તક લઈ ટીબી સામેની લડાઈમાં સહભાગી થાય તે જરુરી છે.