મવડી પોલીસ હેડ કવાર્ટર નજીક બંધ મકાનમાંથી 1.40 લાખની ચોરી
તહેવારોમાં મકાન માલિક બહારગામ ફરવા ગયા હતા
રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ, સીસીટીવી કુટેજના આધારે પોલીસ દ્વારા તપાસ
રાજકોટ: મવડી પોલીસ હેડ ક્વાર્ટરની પાછળ બી.ડી. કામદાર સોસાયટી શેરી નં.૨માં રહેતા અને નાનામવાના ભીમનગરમાં ભંગારનો ડેલો ધરાવતા જયદિપ હમીરભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૬)ના બંધ મકાનમાં ગઇકાલે રાત્રે ત્રાટકેલા તસ્કરો રૂા.૧.૪૦ લાખની મત્તા ચોરી કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં જયદિપભાઇએ જણાવ્યું છે કે મકાનના ઉપરના માળે તે પરિવાર સાથે રહે છે. જ્યારે નીચેના માળે કરિયાણાની દુકાન ધરાવતો નાનોભાઇ અનિલ પરિવાર સાથે રહે છે. ગઇકાલે રાત્રે બારેક વાગ્યે અનિલ મકાનને તાળુ મારી દ્વારકા જવા રવાના થયો હતો. જ્યારે પરોઢીયે તે પરિવાર સાથે ઉદયપુરથી પરત આવ્યા હતા.
આવીને જોયું તો મકાનનું તાળુ અને નકુચો તુટેલા હતા. અંદર રૂમના કબાટના દરવાજા ખુલેલા અને સામાન વેર-વિખેર હતો. તપાસ કરતાં કબાટમાંથી સોનાની બે વીંટી અને રોકડા રૂપિયા ૪૦ હજાર ગાયબ હતા. જેથી તાલુકા પોલીસને જાણ કરતાં તેના સ્ટાફે ગુનો દાખલ કરી સીસીટીવી કુટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.
તસ્કરો કપડા મુકવાના ઘોડામાં રાખેલી કબાટની ચાવી શોધી તેના વડે લોક ખોલી ચોરી કરી ગયા હતા.