Get The App

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

Updated: Jun 26th, 2018

GS TEAM


Google News
Google News
સારાંશ - વિનોદ ડી. ભટ્ટ 1 - image

ફેશન મેગેઝીનમાં લેખ વાંચીને એક મહિલા વાચકે પત્ર લખ્યો કે તમારો ઈન્ટરવ્યૂ વાંચીને હું આખો દિવસ રડી છું

યુનોએ વારિસને સુન્નત વિરોધી અભિયાન માટે યુનોની સ્પેશ્યલ એમ્બેસેડર બનાવી

સુન્નતની ક્રુર પ્રથા વિરૃદ્ધ વારિસ ડિરીએ વિશ્વભરમાં ઝુંબેશ ચલાવી

મેગેઝીનને મળેલા પત્રો પૈકીના એક પત્રમાં એક સ્ત્રી વાંચકે લખ્યુ હતું કે, 'તમારો લેખ વાંચ્યો ત્યારથી હું નિરાંતે સુઈ શકી નથી. ઈશ્વરે સ્ત્રીને પુરૃષની અર્ધાંગના બનાવી છે. અને તેની જ સાથે આવો અમાનવીય અને ક્રુર વ્યવહાર કઈ રીતે થઈ શકે ? પુરૃષ તેની પુત્રી કે બહેન સાથે આવો ક્રુર વ્યવહાર કેમ થવા દે છે?, આ લેખ વાંચીને આખો દિવસ હું રડી છુ. '

મેગેઝીનમાં વારિસની અત્યંત હૃદયદ્રાવક સ્ટોરી વાંચીને બીજા એક વાચકે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને લખ્યું કે 'વિશ્વના જે કોઇ દેશમાં પરંપરા કે ધર્મના નામે છોકરીઓ પર આવો અત્યાચાર થતો હોય તે તત્કાળ બંધ થવો જોઇએ. વારિસની વાત વાંચીને હું રડયો છું.'

ફેશન મેગેઝીનમાં વારિસનો ઇન્ટરવ્યૂ છપાયો તે પછી વારિસે અન્ય ઘણાં અખબારો અને મેગેઝીનોમાં ઇન્ટરવ્યૂ આપ્યા. શાળા-કોલેજો અને સામાજિક સંસ્થાઓમાં તેણે લેકચરો આપવાનું પણ શરૃ કર્યૂ.
વારિસ તેની આત્મકથામાં આગળ લખે છે કે, સંખ્યાબંધ મેગેઝીનો અને અખબારોમાં મારા ઇન્ટરવ્યૂ છપાયાના થોડા દિવસોમાં જ મને એક એજન્સી તરફથી ડોક્યુમેન્ટ્રિ માટે ઓફર આવી. સોમાલિઆમાં છોકરીઓની થતી સુન્નત વિશે અને ખુદ મારી સુન્નત વિશેની વાતને ડોક્યુમેન્ટ્રિમાં દર્શાવાની હતી.

આ ડોક્યુમેન્ટ્રિ ૧૯૯૭ની ગ્રીષ્મમાં રિલિઝ થતાની સાથે જ યુરોપ-અમેરિકામાં ફરી સુન્નત વિરોધી લાગણીનો જુવાળ રેલાયો. યુનોમાં પણ ઘણાંએ આ ડોક્યુમેન્ટ્રિ જોઇ તે પછી મને યુનોમાંથી મળવાનું કહેણ આવ્યું.
યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે છોકરીઓની સુન્નતના કુરિવાજને બંધ કરાવવા માટેના તેમના અભિયાનમાં જોડાવા મને આમંત્રણ મોકલાવ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને યુએન પોપ્યુલેશન ફંડે દુનિયાભરના દેશોમાંથી સુન્નત વિશે જે માહિતી મેળવી હતી, તે ખૂબ ચોંકાવનારી હતી. આ માહિતી મુજબ આફ્રિકાના ૨૮ દેશોમાં સુન્નતની પ્રથા ચાલુ છે. સ્ત્રીની સુન્નતને અંગ્રેજીમાં ફીમેલ જેનિટલ મ્યૂટિલેશન (FGM) કહે છે.

યુનોના એક અંદાજ મુજબ ૧૩ કરોડ છોકરીઓ અને સ્ત્રીઓની સુન્નત થઇ ચુકી છે અને દર વર્ષે ઓછામાં ઓછી ૨૦ લાખ છોકરીઓ સામે સુન્નતનું જોખમ ઊભું હોય છે, મતલબ રોજની ૬૦૦૦ છોકરીઓની સુન્નત કરાય છે...!
ગરીબ દેશોમાં છોકરીઓની સુન્નત અભણ દાયણ દ્વારા કરાય છે. આ નિરક્ષર દાયણો દ્વારા એનેસ્થેશિયા વાપરવાનો તો સવાલ જ રહેતો નથી.

નાની છોકરીના જનનેન્દ્રિયનો ઉપલો ભાગ કાપવા માટે આ ગામઠી દાયણ અસ્ત્રો, બ્લેડ, ચાકુ કે કાતર વાપરે છે અને આ ન મળે તો કાચનો ટૂકડો, અણીયાળો પથ્થર કે બાવળના કાંટાથી દાયણો છોકરીઓના પ્રાઇવેટ પાર્ટના બાહ્ય ઉપલા ભાગને ચીરી નાંખે છે. અંતરિયાળ ગામડાઓમાં કેટલીક દાયણ બચકા ભરીને છોકરીના ક્લિટોરીસને (ભગ્નશિશ્ન) કાપી નાંખે છે...! ક્રુરતાની આ પરાકાષ્ટા કેટલાક દેશોમાં આજે પણ અસ્તિત્વમાં છે.

આ પ્રકારના અત્યંત ઘાતકી કુરિવાજનું પરિણામ છોકરીએ આખી જિન્દગી ભોગવવું પડે છે, આ કારણે છોકરી આખી જિન્દગી સેક્સનું સુખ માણી શકતી નથી.

યુનોએ સુન્નત વિરૃધ્ધના અભિયાન માટે વારિસને યુનોની સ્પેશ્યલ એમ્બેસેડર બનાવી.
સુન્નત કર્યા વગરની છોકરીને આફ્રિકાના દેશોમાં ગંદી ગણવામાં આવે છે. આવી છોકરી લગ્ન માટે અપાત્ર ગણાય છે. એટલે પશ્ચિમના દેશોમાં જેમ મા તેની છોકરીને સારી સ્કૂલમાં ભણવા માટે મોકલવા આતુર હોય છે તેમ આફ્રિકાના કેટલાક દેશોમાં મા સવેળા તેની છોકરીની સુન્નત કરાવી દેવા માટે આતુર હોય છે.
વારિસે આત્મકથામાં લખ્યું છે કે, 'યુનોના એમ્બેસેડર તરીકે કામ કરવાની મને તક મળશે એવી તો મેં સ્વપ્નેય કલ્પના કરી નહોતી.'

વારિસે 'ધ ડેઝર્ટ ફલાવર' નામની તેની રોચક આત્મકથામાં છેલ્લે તેના મનમાં ચાલતા કેટલાક વિચારો વ્યકત કર્યા છે. 'પશ્ચિમના દેશમાં રહેવાનો એક સૌથી મોટો લાભ એ છે કે અહી તમને પૂર્ણ શાંતિનો માહોલ મળે છે. શાંતિપૂર્ણ માહોલ એ કેટલો મોટો આર્શિવાદ છે, એની ઘણાં લોકોને અહી સભાનતા નથી હોતી. કારણ પશ્ચિમના દેશોના મોટાભાગના લોકોને આફ્રિકાના ઘણા દેશોમાં સતત ચાલતા આંતરવિગ્રહની પીડા કેટલી બધી સ્ટ્રેસફુલ અને દુઃખદાયી હોય છે તેની કલ્પના જ નથી હોતી.

પશ્ચિમના દેશોમાં ગુન્હાખોરી નથી એમ કહેવાનો મારો આશય નથી. અહી પણ નાના મોટા ક્રાઈમ બનતા જ રહે છે. પણ આફ્રિકાના દેશોમાં આદિવાસી જૂથો કે કબીલાઓ વચ્ચે વર્ષો સુધી જે લડાઈઓ ચાલતી રહે છે તેના કારણે નિર્દોષ પરિવારોને બેસુમાર પીડા સહેવી પડે છે.

સોમાલિઆની રાજધાની મોગાદિશુ પર અગાઉ ઈટાલિયનોનું શાસન હતુ. ઇટાલિયન શાસકોએ મોગાદિશુમાં અતિ સુંદર વ્હાઈટ બિલ્ડિંગ્સ બાંધ્યા હતા. પરંતુ ઈટાલિયન  શાસનના અંત પછી સોમાલિઆમાં જે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો એ અંદરોઅંદરની લડાઈમાં સુંદર શહેર મોગાદિશુ લગભગ વિનાશના આરે આવી ગયુ. સતત સાતેક વર્ષ સુધી ચાલેલી આ આંતરિક લડાઈ દરમિયાન થયેલા ફાયરિંગ અને બોમ્બમારાના કારણે સોમાલિઆના પાટનગર મોગાદિશુના લગભગ દરેક બિલ્ડિંગ પર એના નિશાનો જોવા મળે છે.

આંતરવિગ્રહના કારણે સોમાલિઆમાં સરકાર કે પોલીસનું જાણે અસ્તિત્વ જ ન હોય એવી દશા થઇ ગઇ હતી.
પુરૃષોના અહમ, સ્વાર્થ અને આક્રમકવૃત્તિના કારણે સોમાલિઆમાં કબીલાઓ વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યા કરે છે. અને પુરૃષ જાતની આવી મનોવૃત્તિના કારણે જ સુન્નતની કુપ્રથા પણ ત્યાં ચાલુ છે.

આઠ-દશ વર્ષની નાની વયે વારિસની ખુદની સુન્નત કરી દેવાઇ હતી. તદ્દન અભણ અને ગામઠી હબસી સ્ત્રી દ્વારા બાવળના કાંટા વડે વારિસના પ્રાઇવેટ પાર્ટના ભગોષ્ઠને કાપી નાંખીને પછી પ્રાઇવેટ પાર્ટ સીવી લેવાયો તેની અસહ્ય પીડા આટલા વર્ષેય વારિસના મનમાં સતત ખટક્યા કરે છે અને તેથી જ સુન્નતની પરંપરા વિરૃધ્ધમાં વારિસે ભયંકર આક્રોશ સાથે લખ્યું છે કે, 'સોમાલિઆમાં આંતરવિગ્રહ અને સુન્નત ચાલુ છે તેની પાછળનું મુખ્ય કારણ પુરૃષ જાતને પોતાના પ્રદેશ પર સત્તા જમાવવી છે અને પોતાના કોમની સ્ત્રીઓને પણ પુરૃષો પોતાની પ્રોપર્ટી ગણતા હોવાથી આ પ્રોપર્ટી પર પણ તેમને પોતાનું અધિપત્ય, પોતાનો કન્ટ્રોલ જમાવી રાખવાની ઘેલછાના લીધે જ સ્ત્રીઓની સુન્નત કરી દેવાય છે.

વારિસ આટલેથી જ અટકી નથી. સુન્નત અને આંતરિક લડાઇ વિરૃધ્ધ તેનો બેહદ રોષ ઠાલવતા તે વધુમાં લખે છે કે પુરૃષોની ખસ્સી કરી નંખાય તો મારો દેશ સ્વર્ગ બની જશે. ખસ્સીકરણના લીધે પુરૃષો શાંત પડશે અને વધુ સંવેદનશીલ બનશે. પુરૃષોમાં 'ટેસ્ટોસ્ટીરોન' નો જુવાળ શાંત પડી જવાથી યુધ્ધ બંધ પડશે, માણસોની હત્યા બંધ થશે અને બળાત્કાર પર પણ પૂર્ણ વિરામ મુકાઇ જશે.

સુન્નતની અત્યંત પીડાકારક કુપ્રથાની વિરૃધ્ધમાં આત્યંતિક વિચારધારા વ્યક્ત કરતા વારિસે છેવટે લખ્યું છે કે, 'પુરૃષોના પ્રાઇવેટ પાર્ટને કાપી નાંખ્યા પછી તેમને લોહી નીતરતી હાલતમાં છુટ્ટા મુકી દેવા જોઇએ.આવી હાલતમાં અતિશય લોહી વહી જવાથી કાંતો તે મરશે અથવા જીવશે તો પછી તેમને ભાન થશે કે તેઓ તેમની છોકરીઓ, બહેનો અને સ્ત્રીઓ સાથે શું કરી રહ્યા છે. (કહેવાનો મતલબ કે પુરૃષોના પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખીએ તો જ તેમને ખ્યાલ આવશે કે નાની છોકરીઓ/ યુવતીઓના પ્રાઇવેટ પાર્ટના સુન્નત કરવાની પ્રથાથી છોકરીઓને કેટલી બધી પીડા ભોગવવી પડે છે.)

Tags :